રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી તા.13 મી યોજાશે
પ્રમુખપદ માટે લીલાબેન ઠુમ્મર, અલ્પાબેન તોગડિયા અને ગીતાબેન ટીલારાના નામ ચર્ચામાં
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ- ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે નવા પ્રમુખ-ઉપપ્રમુખ માટેની ચુંટણી આગામી 13/9/2023ના રોજ બપોરે 12 વાગ્યે જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાશે.
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂરી થવા જઈ રહી છે અને નવા પ્રમુખ માટે રાજ્ય સરકારે મહિલા અનામત જાહેર કર્યું છે ત્યારે હાલ જિલ્લા પંચાયતના નવા પ્રમુખની રેસમાં 8 મહિલા સભ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપના 24 જ્યારે કોંગ્રેસના 12 મળી કુલ 36 સભ્યો છે ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની મુદ્દત પૂર્ણથતી હોય જેની પુન:ચૂંટણી યોજવા માટેરાજ્યના વિકાસ કમિશ્નરે આદેશ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, આગામી 13/9/2023ણે બુધવારે 12 વાગ્યે જિલ્લા પંચાયતના સભાખંડમાં બેઠક ચુંટણી યોજાશે. જ્યારે ઉમેદવારી પત્રો જિલ્લા પંચાયતના સેક્રેટરીને તા.12મી સપ્ટેમ્બરએ તેમની કચેરીમાં અથવા તેઓ જો ગેરહાજર હોય તો નાયબ જિલ્લા વિકાસ અધિકારીને બપોરે 11 થી 2 વાગ્યા સુધીમાં પહોંચાડવા, ઉમેદવારીપત્રનો નમૂનો કચેરીમાંથી મળી શકશે તેમજ ઉમેદવારી પત્રોની ચકાસણી તા.12મી સપ્ટેમ્બરએ બપોરે 2 વાગ્યે કરવામાં આવશે.