રાજકોટ બન્યું ‘રામમય’: રામ જન્મોત્સવના કરાયા વધામણાં
રામ મંદિરોમાં વિશેષ મહા આરતી, પૂજન-અર્ચન, શણગાર કરાયા: નાણાવટી ચોકમાં ધર્મસભા બાદ વિવિધ ફ્લોટસ સાથે નીકળેલી શોભાયાત્રાએ જમાવ્યું આકર્ષણ
રાજકોટમાં મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ખૂબ ધામધૂમ પૂર્વક ઉજાયો હતો. શહેરના રામ મંદિરોમાં રામ નવમી નિમિત્તે અનેરો ઉત્સાહ જોવો મળ્યો હતો. મંદિરોને સુંદર રોશનીનો શણગાર ઉપરાંત ભગવાન રામને પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. તો વળી વિવિધ ફ્લોટસ સાથે નીકળેલી શોભાયાત્રાએ શહેરીજનોમાં જબરું આકર્ષણ જમાવ્યું હતું.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં રામ નવમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના પ્રાચીન સહિતના મંદિરોમાં વિશેષ આરતી, શોભાયાત્રા, મહા પ્રસાદ-ભંડારો, પૂજન-અર્ચન, વિશિષ્ઠ પુજા સહિતના કાર્યક્રમો યોજાય હતા. રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી રામ જન્મોત્સવ સમિતિ અને રાધેશ્યામ ગૌ શાળાના સંયુક્ત ઉપક્રમે રામ નવમી નિમિત્તે નાણાવટી ચોક ખાતે પ્રથમ ધર્મસભા યોજાઇ હતી. ત્યારબાદ શોભાયાત્રા નીકળી હતી.
શોભાયાત્રામાં અયોધ્યા સ્થિત રામ મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવેલી રામ લલ્લાની પ્રતિકૃતિ મૂર્તિ પણ રાખવામાં આવી હતી. જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઉપરાંત ડીજે, વિવિધ ફ્લોટસ સાથે મોટી સંખ્યામાં વાહનો જોડાયા હતા. જે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી અને ગોંડલ રોડ પર આવેલા ન્યાલ ભગત રામ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી.
અહી મહાઆરતી કરવામાં આવી હતી. બાદમાં ભક્તો માટે 1100 કિલો મીઠાઇ અને 1100 કિલો ફરાળની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના પેલેસ રોડ પર આવેલા શ્રી રામ ઝરૂખા મંદિર, કાલાવાડ રોડ પર આવેલા સંકીર્તન મંદિર, કરણપરામાં આવેલા રામવાડી રામ મંદિર સહિતના રામ મંદિરોમાં પણ રામ નવમીની વિશિષ્ઠ ઉજવણી કરવામાં આવી હતી.
સંકીર્તન મંદિરમાં આરતી, મહાપ્રસાદણો ભક્તોએ લાભ લીધો
રામ નવમની નિમિત્તે શહેરના કાલાવાડ રોડ પર આવેલા સંકીર્તનમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે 5:30 વાગ્યે પ્રભાત ફરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે બપોરે 12 વાગ્યે આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ આરતીનો લાભ લીધો હતો. આ ઉપરાંત બપોરે 12:30 થી 2:30 વાગ્યા દરમિયાન ભક્તો માટે પંજરીના પ્રસાદ સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે રામધૂન સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા.