રાજકોટ એઈમ્સ અને મેડીકલ કોલેજોને કારણે ગુજરાત મેડીકલ હબ બન્યુ : નરેન્દ્ર મોદી
વડાપ્રધાને ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન પ્રસંગે વીડિયો કોન્ફરન્સથી જોડાઈને સંબોધન કર્યું,
ખોડલધામ કેન્સર હોસ્પિટલ સેવા ભાવના અને સર્વ સમાજના કલ્યાણનું પ્રતીક બની રહેશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની ખાસ ઉપસ્થિતિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને સર્વ સમાજના લાભાર્થે અદ્યતન કેન્સર હોસ્પિટલ નિર્માણના ખોડલધામના કાર્યને બિરદાવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રસંગે વીડિયો કોન્ફરન્સથી જોડાઈને સંબોધન કર્યું હતું.
મંદિરના સાતમા પાટોત્સવના અવસરે ખોડલધામની પવિત્ર ભૂમિ પર ઉપસ્થિત ભક્તો સાથે જોડાવાનું સૌભાગ્ય મળવા બદલ આનંદ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુલ સંબોધનમાં જણાવ્યું કે, રાજકોટના પડધરી તાલુકાના અમરેલી ખાતે નિર્માણ પામનારી કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના આજે ભૂમિ પૂજન સાથે ખોડલધામ ટ્રસ્ટે જનકલ્યાણ અને સેવાના ક્ષેત્રે વધુ એક સુંદર પહેલ કરી છે. આ હોસ્પિટલથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા પ્રદેશને લાભ થશે તેમ જણાવતા વડાપ્રધાને ઉમેર્યું હતું કે, આ કેન્સર હોસ્પિટલ સેવા ભાવના અને સર્વ સમાજના કલ્યાણનું પ્રતીક બની રહેશે. લેઉઆ પાટીદાર સમાજ દ્વારા સેવા, સંસ્કાર અને સમર્પણના સંકલ્પ સાથે શરૂ કરાયેલ ખોડલધામ ટ્રસ્ટે શિક્ષા, કૃષિ અને સ્વાસ્થ્યના ક્ષેત્રોમાં ઉદાહરણીય કામગીરી કરીને અનેક લોકોના જીવન બદલવાનું કાર્ય કર્યું છે.
તેમણે કહ્યું હતું કે, કેન્સર સહિતની ગંભીર બીમારીઓના ઈલાજમાં મોટો ખર્ચ થઈ જતો હોય છે ત્યારે દર્દી અને તેના પરિવારને આર્થિક મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા સરકાર કટિબદ્ધ છે. સરકારે છેલ્લા નવ વર્ષોમાં ૩૦ જેટલી કેન્સર હોસ્પિટલ શરૂ કર્યા છે અને ૧૦ નવી કેન્સર હોસ્પિટલ બની રહી છે. કેન્સરના ઈલાજમાં વહેલી તકે નિદાન થવું જરૂરી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેન્સર સહિતની ગંભીર બીમારીઓનું નિદાન વહેલી તકે થઇ શકે તે માટે કેન્દ્ર સરકારે ગ્રામ્ય સ્તરે દોઢ લાખથી વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિર બનાવ્યા છે.
છેલ્લા ૨૦ વર્ષોમાં ગુજરાતે સ્વાસ્થ્ય સુવિધાઓ ક્ષેત્રે કરેલી પ્રગતિ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં મેડિકલ કોલેજની સંખ્યા ૧૧ હતી જે આજે વધીને ૪૦, ફાર્મસી કોલેજની સંખ્યા ૧૩ થી વધીને ૧૦૦, ડિપ્લોમા ફાર્મસી કોલેજની સંખ્યા ૬ થી વધીને ૩૦ થઈ છે. મેડિકલ કોલેજોમાં એમબીબીએસની બેઠકો ૫ ગણી અને પોસ્ટ ગ્રેજ્યુએશનની બેઠકો ૩ ગણી થઈ છે. રાજકોટમાં એઈમ્સ આવી છે અને મેડીકલ કોલેજોની સંખ્યા પણ વધી છે તેથી ગુજરાત ભારતનું મોટું મેડિકલ હબ બન્યું છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં ગામે-ગામ સીએચસી ખોલવામાં આવ્યા છે. આદિવાસી, ગરીબ વિસ્તારો સુધી ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સાથે ગુજરાતે દેશમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં મોટા સુધારાનું મોડેલ રજૂ કર્યું છે.
વડાપ્રધાનિ લોકોને આ તકે નવ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા આગ્રહભર્યો અનુરોધ કર્યો હતો, જેમાં જળ સંરક્ષણ અને સંગ્રહ, ગ્રામીણ વિસ્તારોમાં પણ ડિજિટલ ટ્રાન્જેક્શન વધારવા, પોતાના ગામ-શહેરને સ્વચ્છતામાં અવ્વલ બનાવવા, મેઈડ ઈન ઈન્ડિયા – સ્થાનિક ઉત્પાદનની વસ્તુઓ ખરીદવા, પ્રાકૃતિક ખેતીની અમલવારી, મિલેટ્સનો ઉપયોગ, વ્યસન મુક્તિ તેમજ તંદુરસ્તી સાથે શારીરિક સજ્જતા કેળવવાનો સમાવેશ થાય છે.
ખોડલધામ કાગવડના સાતમા પાટોત્સવ તથા કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થયું છે ત્યારે સમાજ સેવા માટે ધન અને દાનની સરવાણી માતાજીના આશીર્વાદ સ્વરૂપે મળી રહી છે. ઈશ્વરીય મદદ મળે ત્યારે જ આવું ભવ્ય આયોજન થતું હોય છે.
તેમણે કહ્યું હતું કે, આયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં આવતીકાલે ભગવાન રામલલા બિરાજમાન થવા જઈ રહ્યા છે, તેના પૂર્વ દિવસે આદ્યશક્તિ અને રાષ્ટ્રભક્તિના સંગમ એવા ખોડલધામમાં આ અનોખા અવસરના સાક્ષી બનવાની તક આપણને મળી છે. ખોડલધામ એ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે, જેના પ્રવેશદ્વાર પર રોજ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જીવન શૈલી અને વ્યસનથી ફેલાતા કેન્સરના રોગના નિવારણ માટે માટે આજે શુભારંભ થયેલી આરોગ્ય સંસ્થા સ્વસ્થ ભારતના વિકાસમાં નિર્ણાયક સાબિત થશે. સ્થાનિક સ્તરે કેન્સર જેવા રોગની ઉત્તમ સારવાર કિફાયતી દરે મળી રહે તે માટે ખોડલધામ સંસ્થાનો આ સરાહનીય પ્રયાસ છે.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ખોડલધામ સંસ્થાના સ્થાપક શ્રી નરેશભાઈ પટેલને સમગ્ર પાટીદાર સમાજના સર્વાંગી વિકાસ બદલ અભિનંદન પાઠવ્યા હતા
ખોડલધામ ટ્રસ્ટના સ્થાપક નરેશભાઈ પટેલે તેમના પ્રાસંગિક પ્રવચનમાં સંસ્થાના સાત વર્ષ પુરા થવા નિમિત્તે ખોડલધામના સંકલ્પો રજૂ કર્યા હતા, જે પૈકી સર્વ સમાજ માટે ૪૨ એકરમાં નિર્માણ થનાર કેન્સરના નિદાન અને સારવાર માટેની કેન્સર હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર માટે સાથ-સહકાર આપનાર સૌ કોઈનો આભાર માન્યો હતો અને આ હોસ્પિટલને રાષ્ટ્રની સેવામાં અર્પણ કરવાનો સંકલ્પ દોહરાવ્યો હતો.
આ પ્રસંગે જળસંપત્તિ, પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાનાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા, દંડક કૌશિકભાઈ વેકરીયા, સાંસદો રમેશભાઈ ધડુક .મોહનભાઈ કુંડારીયા, નારણભાઈ કાછડીયા, ધારાસભ્યો જયેશભાઈ રાદડીયા, રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, જીતુભાઈ વાઘાણી, બિપિનભાઇ ગોતા, મેયર નયનાબેન પેઢડિયા, પૂર્વમંત્રી અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, જસુમતિબેન કોરાટ, અગ્રણી ભરતભાઈ બોઘરા, મુકેશભાઈ દોશી, ડી.કે. સખિયા, ધનસુખભાઈ ભંડેરી, પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલિયા, ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પોલીસ કમિશનરરાજુ ભાર્ગવ, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ અને રાજકીય આગેવાનો તથા પટેલ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.