રાજકોટ અગનભઠ્ઠીમાં શેકાયું: જુઓ આજે તાપમાન કેટલા ડિગ્રી થયું
આકરો તાપ અને લૂને કારણે શહેરીજનો ત્રાસી ઉઠયા:કચ્છમાં હીટવેવની આગાહી
રાજકોટ સહિત રાજ્યમાં ફરી એકવાર ઉનાળો આકરો બની રહ્યો છે. બે દિવસથી તાપમાનનો પારો ઉચકયો છે અને અસહ્ય ગરમી પડી રહી છે. રાજકોટમાં મંગળવારે આગ ઝરતી ગરમી સાથે તાપમાનનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચી જતાં લોકો ત્રાસી ઉઠયા હતા. બીજી તરફ હવામન વિભાગે આગામી ત્રણ દિવસ કચ્છમાં હીટવેવની આગાહી કરી છે.
એપ્રિલ માસના બીજા સપ્તાહથી રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો દૌર શરૂ થયો છે. છેલ્લા બે દિવસથી રાજકોટ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર થઈ ગયો હતો. દિવસ દરમિયાન આકરો તાપ અને લૂ વરસતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. રાજકોટમાં મંગળવારે બપોરના સમયે તાપમાનનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચી જતાં લોકો અગનભઠ્ઠીમાં શેકાયા હોય તેવો અનુભવ કર્યો હતો. બપોરના સમયે માર્ગો સૂમસામ બન્યા હતા. અસહ્ય ગરમી અને લૂને કારણે લોકોએ જરૂરી કામ વગર ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કર્યું હતું.
રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધાવની સાથે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે, રાજ્યમાં ગરમી વધશે. અમદાવાદનું તાપમાન ૪૦ ડિગ્રીને પાર થશે. તો સુરેન્દ્રનગર, રાજકોટમાં, કચ્છમાં પણ ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર જશે. જ્યારે ત્રણ દિવસ કચ્છમાં હીટવેવની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં અકળામણ અનુભવાશે. આગ ઝરતી ગરમી સાથે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી પણ કરી છે. તા.૧૩મી એપ્રિલે વલસાડ, નવસારી, સુરત, ગીર સોમનાથ, તા.૧૪ અને ૧૫મીએ છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરી છે.