રાજકોટ : વરસાદ રોકાતાં જ સફાઈ માટે ધાડેધાડા ઉતર્યા ; આજથી ગાબડાં બૂરવાનું શરૂ
- ત્રણેય ઝોનમાં જેસીબી-ડમ્પરની સંખ્યા વધારી દેવાઈ: તૂટી ગયેલા ઝાડ ઝડપથી દૂર કરવા ૧૦-૧૦ લોકોની વધારાની ટીમ તૈનાત
- સફાઈ માટે રેઢા પડેલાં વાહનો નડતાં હોય આજથી પોલીસ સાથે મળીને તમામને જપ્ત કરાશે
- લોકમેળો પૂરો થવા છતાં રેસકોર્સ ફરતે રમકડાં વેચતાં લોકોને હટાવાશે: મ્યુ.કમિશનર-ડીસીપી ટ્રાફિક વચ્ચે બેઠક
રાજકોટમાં રવિવારથી લઈ ગુરૂવાર સુધી પડેલા અવિરત વરસાદને કારણે શહેરમાં રોડ-રસ્તાની હાલત ખસ્તા થઈ જવા પામી છે સાથે સાથે ઠેર-ઠેર પાણી ભરાઈ જવાને કારણે ગંદકીના ગંજ ખડકાઈ ગયેલા છે. એકંદરે ગંદકીને કારણે રોગચાળો ફાટી ન નીકળે તે માટે વરસાદ રોકાતાંની સાથે જ દરેક વોર્ડની સફાઈ કરવા માટે સફાઈ કામદારોના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હોવાનું મ્યુનિ.કમિશનર ડી.પી.દેસાઈએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું સાથે સાથે તેમણે ઉમેર્યું હતું કે દરેક રસ્તા ઉપર ગાબડાં પડ્યા છે જેને આજથી જ બૂરવાનું શરૂ કરી દેવામાં આવશે.
મ્યુ.કમિશનરે વધુમાં જણાવ્યું કે સફાઈ માટે તમામ કામદારોને ઉતારી દેવામાં આવ્યા છે સાથે સાથે દરેક ઝોનમાં વધારાના જેસીબી અને ડમ્પરોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે જેના કારણે સફાઈ કામગીરી ઝડપથી થશે. ઈસ્ટ ઝોનમાં ૮ ટે્રક્ટર તો સેન્ટ્રલ ઝોનમાં ૬ ટે્રક્ટર વધારાના મુકવામાં આવ્યા છે. વરસાદને કારણે ઠેર-ઠેર ઝાડ પડી ગયા હોવાને કારણે તે ઝડપથી ઉપાડી લેવાય તે માટે દરેક ઝોન દીઠ વધારાની ૧૦-૧૦ કર્મીઓની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.
રાજકોટમાં પાંચ દિવસ બાદ શુક્રવારે પહેલી વખત તડકો નીકળતાં જ સફાઈ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ત્યારબાદ ગાબડા બૂરવા તેમજ રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.
દરમિયાન મ્યુનિ.કમિશનર ડી.પી.દેસાઈ અને ડીસીપી (ટ્રાફિક) પૂજા યાદવ વચ્ચે એક બેઠક મળી હતી જેમાં એવો નિર્ણય લેવાયો હતો કે રેસકોર્સમાં લોકમેળો પૂરો થઈ ગયો છે આમ છતાં ધંધાર્થીઓ રેસકોર્સ ફરતે બેસીને રમકડાં સહિતનો સામાન વેચી રહ્યા હોય તેના કારણે ટ્રાફિકજામ થઈ રહ્યો હોવાથી આ ધંધાર્થીઓને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવશે. આ ઉપરાંત સફાઈ કાર્ય આડે રસ્તા પર રેઢા પડેલાં વાહનો નડી રહ્યા હોય અને આ વાહનોની સંખ્યા ૧૦૦થી વધુ હોવાથી આજે પોલીસ અને મનપા દ્વારા સંયુક્ત રીતે આ વાહનોને જપ્ત કરવાનું શરૂ કરી દેવામાં આવશે.
વરસાદે રાજકોટને કેટલું નુકસાન પહોંચાડ્યું ? બે દિ’ બાદ ખબર પડશે
મ્યુનિ.કમિશનરે જણાવ્યું કે વરસાદને કારણે મહત્તમ નુકસાન રોડ-રસ્તાને થયું હોવાથી નુકસાનીનો આંક કેટલો છે તેનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે અને બે દિવસની અંદર સંપૂર્ણ રિપોર્ટ આવી જાય તેવી શક્યતા છે. આ સિવાય અન્ય નુકસાનીનો રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
ડે્રનેજ ચોકઅપની ફરિયાદ છેક કેન્દ્રીય મંત્રી સુધી પહોંચી…!
શહેરના ધરમનગર વિસ્તારમાં અમિત દવે નામના એક વ્યક્તિએ પોતાના ઘર પાસે ડે્રનેજ ચોકઅપ થઈ ગઈ હોવાની ફરિયાદનો ઉકેલ નહીં આવતાં કેન્દ્રીય મંત્રી તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને ફરિયાદ કરતાં ત્યાંથી ટેલિફોનના દોરડા ધણધણતાં જ મનપામાં દોડધામ મચી જવા પામી હતી.