પાર્કિંગ નંબર-5: રાજકોટ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફલાઇટ માટે રિઝર્વ રહેશે
4 એરોબ્રીજ કનેક્ટ,1 એરોબ્રીજ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે રખાયું: ટર્મિનલની શરૂઆત સાથે એરક્રાફ્ટનાં પાર્કિંગનો પ્રશ્ન થયો હલ, 321 એરબસ માટે 6 પાર્કિંગ અને 320 માટે 4 પાર્કિંગ રહેશે:હવેથી એક સાથે 14 ફલાઇટ ઓપરેશન શક્ય
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવું ટર્મિનલ શરૂ થઈ જતા એરક્રાફ્ટનાં પાર્કિંગનો મુખ્ય પ્રશ્ન હાલ થઈ ગયો છે, હવેથી એક સાથે 14 ફ્લાઈટ પણ ઉડાન ભરી શકે તેવી સુવિધા ઉપલબ્ધ બની છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે પાંચ નંબરનું પાર્કિંગ અને 5 નંબરનું એરોબ્રીજ રિઝર્વ રખાયું છે, નવા એરપોર્ટમાં 3040 મીટર લાંબો અને 25 મીટર પહોળાઈ ધરાવતો રનવે બન્યો છે. ભવિષ્યમાં આ રનવેનો વિસ્તાર વધારવા માટે ઓથોરિટી દ્વારા સરકાર પાસે જમીનની માંગણી કરવામાં આવી છે. જો સરકાર મંજૂરી આપશે તો 400 મીટર લાંબો રનવે બનાવવા માટેની પ્રક્રિયા શરૂ થશે.

આ દરમિયાન નવું ટર્મિનલ શરૂ થઈ જતા સૌથી મુખ્ય પ્રશ્ન વિમાનોના પાર્કિંગ માટેનો હતો તે હલ થઈ ગયો છે હવે એક સાથે 14 ફ્લાઈટ પાર્કિંગ પણ થઈ શકશે અને એક જ કલાકમાં આ બધી ફ્લાઈટની ઉડાન પણ શક્ય બનશે. આ ઉપરાંત 321 એરક્રાફ્ટ માટે નવા પાંચ પાર્કિંગ મળ્યા છે. હાલમાં નિયમિત દસ ફ્લાઈટ ઉડાન ભરી રહી છે જેમાંથી એર ઇન્ડિયા અને ઈન્ડિગો દ્વારા એક એક વિમાન 321 ટાઈપના છે. હાલમાં મુંબઈની ચાર ફ્લાઈટ દિલ્હીની બે,પુણે,ગોવા, હૈદરાબાદ, બેંગ્લોર અને સુરતની એક એક ફ્લાઇટ ઉડાન ભરી રહી છે.
હાલમાં પાડવાની જગ્યામાં છ પાર્કિંગ 321 એરબસ માટે, ચાર પાર્કિંગ 320 બોઈંગ માટે, ચાર નાના એરક્રાફ્ટ માટે પાર્કિંગની સુવિધા મળી છે. આગામી એપ્રિલ મે એટલે કે સમર શેડ્યુલમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ રાજકોટને મળે તેવી શક્યતાઓને ઓથોરિટી ના સૂત્રોએ દર્શાવી હતી. કસ્ટમ અને ઈમિગ્રેશન વિભાગમાંથી રાજકોટ એરપોર્ટને મંજૂરીની મહોર લાગી ગઈ હોવાથી હવે રાજકોટ એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટની યાદીમાં આવી ગયું છે.
આ સપ્તાહે ડી.જી.સી.એ.ની ટીમ આવશે
રવિવારે નવા ટર્મિનલ નું લોકાર્પણ થઈ ગયા બાદ આ સભા દરમિયાન ડાયરેક્ટ જનરલ સિવિલ એવીએશનની ટીમના અધિકારીઓ રાજકોટ એરપોર્ટના ઇન્સ્પેક્શન માટે આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે જનરલ ચેકિંગ માટે આવતા હોવાની વાત વચ્ચે હવે ડી જી સી એ દ્વારા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની ઉડાન શરૂ કરવા માટેના ભાગરૂપે પણ તેમની આ મુલાકાતની શક્યતાની નકારી શકાતી નથી. કસ્ટમ અને ઇમિગ્રેશનને ગ્રીન સિગ્નલ મળી ગયા બાદ હવે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરવાની દિશામાં ઓથોરિટીની કાર્યવાહી શરૂ થશે.
હંગામી ટર્મિનલમાં કાર્ગો માટેની પ્રક્રિયા શરૂ થશે
હંગામી ટર્મિનલ કે જ્યાં દોઢ વર્ષ સુધી પેસેન્જરની અવરજવર રહી હતી. જર્મન ટેકનોલોજી સાથે બનાવાયેલા આ ટર્મિનલ ને હવે કાર્ગો ટર્મિનલ માટે પરિવર્તિત કરવા માટેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેવું સૂત્રએ જણાવ્યું હતું. તાજેતરમાં જ નાણા મંત્રાલય દ્વારા રાજકોટ એરપોર્ટ પરના કસ્ટમ ડીપાર્ટમેન્ટ માટેની મંજૂરી મળી જતા ગુડ્સ લોડિંગ અને અનલોડીંગ માટેની મંજૂરી આપવામાં આવી હોવાથી રાજકોટ થી આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઈટ શરૂ કરવા માટેનો માર્ગ મોકળો બન્યો છે.