રાજબ્રિજકોટ: એક સાથે ૯ સ્થળે બનશે અન્ડર-ઓવરબ્રિજ
કટારિયા ચોકડીએ જલારામ ફૂડ કોર્ટથી કોસ્મોપ્લેક્સ સુધીના રસ્તે ૮૦૦ મીટર લાંબો, ૨૪ મીટર પહોળો ફોર-લેન ફ્લાયઓવર બ્રિજ જ્યારે અન્ડરબ્રિજ ૬૦૦ મીટર લાંબો અને ૧૮ મીટર પહોળો રહેશે

૧૫૦ કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ કરતી મહાપાલિકા, સાંઢિયાબ્રિજની માફક જ તોતિંગ ઓન' ચૂકવવી પડશે તે નક્કી
રંગોલી પાર્ક આવાસ યોજના પાસે એક, નવા ૧૫૦ ફૂટ રિંગરોડ પર ત્રણ, મુંજકા પોલીસ સ્ટેશનથી આર્ષ વિદ્યામંદિર તેમજ રૈયારોડથી સ્માર્ટ સિટીને જોડતો બ્રિજ બનશે
રાજકોટમાં વસતી, વિસ્તાર અને વાહન એમ ત્રણેયની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો હોય અવર-જવરમાં લોકોને ખાસ્સી તકલીફ વેઠવી પડી રહી છે.

ભૌગોલિક સ્થિતિને કારણે અમુક રસ્તા પહોળા કરવામાં અડચણ આવી રહી હોવાને કારણે હવે તંત્ર દ્વારા અન્ય શહેરોની માફક એક બાદ એક અન્ડર અને ઓવરબ્રિજ બનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં અત્યારે અલગ-અલગ ૧૧ સ્થળે અન્ડર અને ઓવરબ્રિજ આવેલા છે તેમાં આવનારા દિવસોમાં વધારો થવાને કારણે રાજકોટ હવે
બ્રિજકોટ’ તરીકે ઓળખાશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. મહાપાલિકા દ્વારા એક સાથે ૯ સ્થળે અન્ડર અને ઓવરબ્રિજ બનાવવાના ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યા છે જેની પ્રારંભિક કિંમત ૨૧૮ કરોડ રૂપિયા જેવી થવા જાય છે.

જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે કટારિયા ચોકડીએ બનનારા ફ્લાયઓવર અને અન્ડરબ્રિજ માટે ૧૫૦ કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. અહીં ઓવરબ્રિજ જલારામ ફૂડ કોર્ટથી શરૂ થશે અને કોસ્મોપ્લેક્સ પાસે પૂરો થશે. બ્રિજની લંંબાઈ ૮૦૦ મીટર અને પહોળાઈ ૨૪ મીટરની રહેશે. આ જ રીતે અન્ડરબ્રિજ ૬૦૦ મીટર લાંબો અને ૧૮ મીટર પહોળો રહેશે. આ બ્રિજનું કામ ૩૦ મહિનામાં પૂર્ણ કરવાનું રહેશે. અત્યારે તેને બનાવવાનો પ્રારંભીક ખર્ચ ૧૫૦ કરોડ અંદાજવામાં આવ્યો છે પરંતુ તેમાં તોતિંગ ઓન' મતલબ કે વધારાનો ભાવ ભરવામાં આવશે તે નિશ્ચિત છે. આ ઉપરાંત ૭.૨૦ કરોડના ખર્ચે કટારિયા ચોકડીથી રંગોલી પાર્ક પાસેના
રૂડા’ આવાસના રસ્તે ૨૪ અને ૧૮ મીટરના રોડ ઉપર બે બ્રિજ, ૪૨.૨૦ કરોડના ખર્ચે સ્માર્ટ સિટી એરિયાથી કટારિયા ચોકડી સુધીના વિસ્તારમાં ત્રણ બ્રિજ બનશે જેમાં નાલા ઉપરના નાના પુલને તોડીને તેની જગ્યાએ નવા બ્રિજ બનશે તો નવા રિંગરોડને પહોળો કરવાનો હોવાથી ત્રણેય બ્રિજને પહોળા કરવામાં આવશે.
જ્યારે નવા રિંગરોડ ઉપર મુંજકા પોલીસ ચોકી પાસે તેમજ આર્ષ વિદ્યા મંદિર પાસે બે બ્રિજ બનશે તો રૈયા ગામથી સ્માર્ટ સિટીને જોડતો એક બ્રિજ બનાવવામાં આવનાર હોવાનું ઈજનેર કુંતેશ મહેતાએ જણાવ્યું હતું.