ટ્રાફિક પોલીસની ટોઇંગની આડેધડ કામગીરી સામે રૈયા રોડના વેપારીઓનો બંધ પાડી વિરોધ
ટોઈંગ વાન દ્વારા ગ્રાહકોના વાહન ડીટેઈન કરાતા ધંધો કરવામાં પડી રહેલી ભારે મુશ્કેલી : વેપારીઓએ રેલી યોજી પોલીસ કમિશનર-મનપા કમિશનરને આવેદન પાઠવ્યું

શહેરમાં ટ્રાફિક સમસ્યાએ સૌથી મોટો પ્રાણ પ્રશ્ર્ન છે અને આ પ્રશ્ર્નોને નિવારવા માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનુ કડક પાલન કરાવવામાં આવે છે ત્યારે માથાના દુ:ખાવા સમાન રૈયા રોડથી લઇ હનુમાન મઢી રોડ પરની ટ્રાફીક સમસ્યા છે.પોલીસે ટ્રાફીકનુ નિરાકરણ લાવવા અગાઉ વેપારીઓ સાથે મિટીંગ પણ યોજવામાં આવી હતી તેમની પાસેથી પ્રશ્ર્નો મેળવી તેમને હલ કરવા માટે એકશન પ્લાન પણ ઘડવામાં આવ્યો હતો આમ છતા હજુ સુધી આ ટ્રાફીક સમસ્યાનુ નિરાકરણ થયું નથી.ઉપરાંત ટોઇંગ વાન દ્વારા દુકાન બાહર પડેલા વાહનોને આડેધડ દંડ ફટકારવામાં આવે છે.જેને લઇ રૈયા રોડ પરના વેપારીઓએ બંધ પાડી વિરોધ પ્રદર્શન કર્યો હતો.તેમજ રેલી યોજી પોલીસ કમિશનર-મનપા કમિશનરને આવેદન પાઠવ્યું હતું.
માહિતી મુજબ રૈયા રોડ વિસ્તારમાં મેઇન રોડ પર છેલ્લા ઘણા સમયથી ટ્રાફીક પોલીસની ટોઇંગ વેન દ્વારા દુકાન બહાર પાર્ક કરેલા વાહનોને ડીટેઈન કરી ગ્રાહકો પાસેથી દંડની કાર્યવાહી કરવામાં આવતા વેપારીઓ તથા ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે રૈયા રોડ વેપારી એશોશીએશન દ્વારા સવારે રૈયા ચોકડીથી હનુમાન મઢી સુધીના વેપારીઓએ પાર્કિંગના પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે દુકાનો બંધ રાખી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.અને વેપારીઓએ પોલીસ કમિશ્નર કચેરી ખાતે પહોંચી પોલીસ કમિશ્નરને લેખીત રજુઆત કરવામાં આવી હતી.
વેપારી એશોશીએશન દ્વારા કરવામાં આવેલી રજુઆતમાં રૈયા રોડ ઉપર દુકાનો સામે પાર્કિંગ અંગેના પ્રશ્નોને લઇ અગાઉ વેપારીઓની રજુઆતને ધ્યાને લઇ પાર્કિંગ અંગેના પીળા પટ્ટા પોલીસ તથા કોર્પોરેશન તંત્ર દ્વારા પાર્કિંગની જગ્યા નક્કી કરી આપી હતી. અને પીળા પટ્ટા મારવામાં આવ્યા હતા. દરમ્યાન હાલમાં રોડ રીપેરીંગના કારણે બ્લોક નાખવામાં આવતા પીળા પટ્ટા જતા રહ્યા છે. આથી આ રોડ પર ટ્રાફીક સમસ્યા નિવારવા માટે અવારનવાર ટ્રાફીક પોલીસની ટોઇંગ વેનની કાર્યવાહી સામે વેપારીઓએ બંધ પાડી પોલીસ અને કોર્પોરેશન દ્વારા પાર્કિંગના પ્રશ્નનું નિરાકરણ લાવે અને દુકાન બહાર પીળા પટ્ટા મારી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી વેપારી એશોસીએશનના પ્રમુખ જયેશભાઇ બી. રાયચુરા, ઉપપ્રમુખ હરેશભાઇ રાજાણી અને સેક્રેટરી હાર્દિકભાઇ જોબનપુત્રા સહિતના વેપારીઓએ લેખીત રજુઆત કરી હતી.
