રૈયાધાર પીપીપી યોજના એટલે પૈસા બનાવવાનું કારખાનું !
બિલ્ડરોએ ૧૫૦ કરોડની જમીન ૨૨ કરોડમાં હજમ કરી લેવાઈ: ઝુંપડપટ્ટી મહાપરિષદનો ચોંકાવનારો આક્ષેપ
રાજકોટનું `કલ્યાણ’ થાય માટે સરકાર દ્વારા પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશિપ મતલબ કે પીપીપી (લોકભાગીદારી) યોજના હેઠળ વિકાસકાર્યો શરૂ કર્યા હતા. જો કે આ યોજનાથી વિકાસ સામાન્ય લોકોનો નહીં બલ્કે બિલ્ડર સહિતનાનો જ થયો હોવાના આક્ષેપો અત્યાર સુધી થઈ રહ્યા છે. દરમિયાન ઝુપડપટ્ટી મહાપરિષદ દ્વારા તો સ્પષ્ટપણે કહી દેવાયું છે કે રૈયાધાર પીપીપી યોજના એટલે પૈસા બનાવવાનું કારખાનું છે !
મહાપરિષદે મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી, હાઈકોર્ટના ચીફ જસ્ટિસને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ સરકાર સફાળી જાગી છે અને અધિકારીઓની સંપત્તિ અંગે તપાસનો દોર શરૂ થઈ ચૂક્યો છે. જો કે આ તપાસમાં એક તરફ સરકારની નજર પડી હોય તેવું લાગતું નથી. અધિકારીઓ દ્વારા અઢળક સંપત્તિ વસાવાઈ છે તેનો મુળ સ્ત્રોત પીપીપી યોજના છે અને તેનો મોટો પૂરાવો રૈયાધાર પીપીપી યોજના છે જે યોજના ફક્તને ફક્ત પૈસા બનાવવા માટે જ જાણે બનાવવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. પીપીપી યોજનાના તમામ નિયમો નેવે મુકીને આ યોજનાને અમલમાં મુકવામાં આવી હતી. પીપીપી યોજનાની જાહેરાત બાદ બિલ્ડરો જે પહેલાંથી નક્કી થયા મુજબના બિલ્ડરોને બોલાવી તેમને કહેવાતું હતું કે તમે સર્વે કરીને જણાવો કે આ જમીન ચોખ્ખી હોય તો તેનીિ કિંમત કેટલી ગણાય ? બિલ્ડરે ૧૨૫થી ૧૫૦ કરોડની બજાર કિંમત ગણાવી હતી ત્યારે આવી લગડી જેવી જમીન રૂા.૨૧થી ૨૨ કરોડમાં જ મનપા દ્વારા આપી દેવાઈ હતી.
આ કરારના વિરોધમાં ઝુપડપટ્ટી મહા પરિષદ દ્વારા એક વર્ષ સુધી આંદોલન કરાયુંહતું જેના કારણે લોકોમાં જાગૃતિ આવી હતી અને લોકોએ બિલ્ડરની તરફેણમાં સોગંદનામા કરી આપ્યા ન હતા. આ સોગંદનામા બિલ્ડરે ૯૦ દિવસમાં કરી મહાપાલિકાને સોંપવા જોઈએ ત્યારે જ આ પીપીપી યોજનાને મ્યુ.કોર્પો કે સરકાર તરફથી કાયદેસરની મંજૂરીની મહોર લાગતી હોય છે. એકંદરે આ કારસો મહાપરિષદ દ્વારા નિષ્ફળ બનાવાયો હતો તેમ ઝુપડપટ્ટી મહાપરિષદના પ્રમુખ દાનુભા સોઢા અને રાજુભાઈ ઝુંઝાએ જણાવ્યું હતું.