રેસકોર્સ આર્ટ ગેલેરી ૬ મહિનામાં તૈયાર થશે: સાંઢિયા પુલ ઑક્ટોબરમાં થશે ‘જમીનદોસ્ત’
સાંઢિયા પુલને સંપૂર્ણ તોડવા હજુ રેલવેની મંજૂરી નથી મળી
હોકી-ફૂટબોલ ગ્રાઉન્ડની વ્યુઈંગ ગેલેરીના કામમાં પણ ઝડપ લાવવા મ્યુ.કમિશનરની ટકોર
લોકસભા ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતાંની સાથે જ મહાપાલિકા દ્વારા વિકાસકાર્યોની રફ્તાર વધારી દેવામાં આવી છે. ખાસ કરીને સાંઢિયા પુલ કે જેને ઘણા દિવસ પહેલાં બંધ કરી દેવામાં આવ્યો છે તેનું કામ ઝડપથી આગળ વધે તે માટે પ્રયાસો ચાલી રહ્યા છે. આ કામ કેટલે પહોંચ્યું તેનું નિરીક્ષણ કરવા માટે મ્યુ.કમિશનર દેસાઈએ સ્થળ વિઝિટ કરી હતી. અત્યારે સાંઢિયા પુલને તોડવાનું કામ ચાલી રહ્યું છે પરંતુ સંપૂર્ણ રીતે જમીનદોસ્ત મતલબ કે તૂટતાં ચારેક મહિના જેટલો સમય લાગી જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આ ઉપરાંત રેસકોર્સ આર્ટ ગેલેરી છ મહિનામાં તૈયાર થઈ જવાનો દાવો મનપાના ઈજનેરી સૂત્રો દ્વારા કરાયો છે.
મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું કે રેસકોર્સની આર્ટ ગેલેરી ૫.૯૦ કરોડના ખર્ચે તૈયાર થઈ રહી છે. અહીં આર્ટ ગેલેરી એક્ઝિબિશન હોલ બની રહ્યો છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મલ્ટીપર્પઝ ગેલેરી-એક્ઝિબિશન હોલ, સ્ટોરરૂમ, ટોયલેટ બ્લોક, વોટરરૂમ, ઈલેક્ટ્રિક રૂમ, લીફ્ટ તેમજ અન્ય બે ગેલેરી તેમજ ફર્સ્ટ ફ્લોર પર બે ગેલેરીનો સમાવેશ થાય છે. આર્ટ ગેલેરી તૈયાર થઈ ગયા બાદ કલાકારોની તેમની કલાના પ્રદર્શન માટે એક ફ્લેટફોર્મ મળી રહેશે. અહીં હસ્તકલા, પેઈન્ટીંગ તેમજ અન્ય પ્રદર્શનો પણ યોજાશે. અહીં દર વર્ષે અંદાજે એક લાખથી વધુ લોકો આવે તેવી શક્યતા છે. મોટાભાગે આર્ટ ગેલેરી જાન્યુઆરી મહિનાથી શરૂ થઈ જશે.
બીજી બાજુ મ્યુનિ.કમિશનર દ્વારા રેસકોર્સના હોકી-ફૂટબોલ ગ્રાઉન્ડ વચ્ચે તૈયાર થઈ રહેલી વ્યુઈંગ ગેલેરીના કામની પણ સમીક્ષા કરી હતી અને કામમાં ગતિ લાવવા ટકોર કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ગેલેરી ૩.૭૪ કરોડના ખર્ચે તૈયાર થઈ રહી છે જેમાં ખેલાડી માટે ચેન્જીંગ રૂમ, વેઈટિંગ એરિયા, હોકી ગ્રાઉન્ડ અને ફૂટબોલ ગ્રાઉન્ડમાં બન્ને બાજુ પ્રેક્ષક ગેલેરી, ટોયલેટ-બાથરૂમ સહિતની સુવિધા ઉપલબ્ધ બનશે.