જળસંચયમાં જનભાગીદારી : રાજકોટ જિલ્લામાં ૫૨૩૭ સ્ટ્રકચર્સ બનશે
ભૂગર્ભ તળને રીચાર્જ કરવા માટે રાજકોટ બિલ્ડર એસોસીએશન, જીઆઇડીસી અને શૈક્ષણિક સંસ્થાઓ સહિતનાઓનો સહયોગ
રાજ્ય સરકાર દ્વારા વરસાદના વહી જતા વરસાદી પાણીને રોકી જળસંચય માટે શરૂ કરવામાં આવેલ અભિયાન અંતર્ગત જિલ્લામાં હાલમાં ૧૩૨૬ સ્થળોએ વરસાદી પાણી સંગ્રહીને ભૂતળમાં ઉતારવામાં આવી રહ્યા છે અને આવનાર વર્ષોમાં આ અભિયાન થકી જળસ્તર ઉંચા આવશે.
જળસંચય જનભાગીદારી અભિયાન અન્વયે ભૂગર્ભ જળના તળને રીચાર્જ કરવા માટે રાજકોટની ૧૭થી પણ વધુ સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ અને ઉદ્યોગગૃહો દ્વારા વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચરો તૈયાર કરવાનો લક્ષ્યાંક નિયત કરાયો છે. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ૫૦૦, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (સી.એસ.આર) દ્વારા ૫૦૦, જિલ્લા આયોજન ઓફિસ દ્વારા ૧૫૦, ડિસ્ટ્રીક પ્લાનિંગ ઓફિસ, જી.આઇ.ડી.સી.(સી.એસ.આર.) દ્વારા ૫૦૦, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ૩૦૦, બિલ્ડર એસોસિયશન દ્વારા ૫૦૦, એન.જી.ઓ. પ્રાંત દ્વારા ૨૫૦, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૭૦૦, રૂડા દ્વારા ૨૫૦, આર.સી.એમ. દ્વારા ૨૫૦ એમ અંદાજે ૫૨૬૩ જેટલા વોટર રૂફ ટોપ વોટર હાર્વેસ્ટીંગના કામો થશે. જેમાં હાલ, ૧૩૨૬ જેટલા સ્થળોએ આ કામનો પ્રારંભ થઇ ચૂકયો છે.
રાજકોટ જિલ્લામાં વહી જતા વરસાદી પાણીના સંગ્રહની સાથે સાથ કેટલાક જળ સ્ત્રોતોનો વધારો પણ થયો છે. જેમાં થોડા વર્ષો પહેલા રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત અટલ સરોવર જળસંચય તો કરે જ છે ઉપરાંત, સહેલાણીઓ માટે પિકનીક સ્પોટ પણ બન્યું છે. રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના ગોડલાધાર (સોમપીપળિયા) ગામમાં પણ એક નવનિર્મિત સરોવર સરકાર દ્વારા બનાવવામાં આવ્યુ છે. જેમાં પ્રથમ વરસાદના નવા નીરના વધામણા ખુદ પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ કર્યા હતા. તાજેતરમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના દિલિપ સખિયા અને નગરસેવક(કોર્પોરેટર) કેતન પટેલના પ્રયત્નોથી રાજકોટના છેવાડાના કણકોટ ખાતે રંગોલી પાર્કમાં અમૃત સરોવરનું નિર્માણ કરાયુ છે. જેમાં આ વર્ષે સારા પડેલા અનરાધાર વરસાદથી સરોવર ઓવરફલો થઇ ગયું છે.