કાર ચાલકે મહિલા પોલીસ કર્મી સાથે અભદ્ર વર્તન કરતાં પીએસઆઈ શાન ઠેકાણે લાવી
રૈયા ચોકડી પરનો બનાવ : સિગ્નલ તોડી નીકળેલા કાર ચાલકને ઇ-ચલણ આપવામાં મોડુ થતાં ગાળો ભાંડી : માફી પત્ર લેખિતમાં આપતા મામલો થાળે પડયો
વર્ષના અંતિમ રાત્રીએ પોલીસ દ્વારા શહેરના અલગ અલગ સર્કલો પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ગાંધીગ્રામ પોલીસ દ્વારા રૈયા ચોકડી પર વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું. અહી પીએસઆઇ પ્રદ્યુમન રોહડીયા અને તેનો સ્ટાફ વાહન ચાલકોને તપાસી રહ્યો હતો. ત્યારે એક કાર ચાલક સિગ્નલ તોડી નીકળવાનો પ્રયાસ કરતા સ્ટાફે તેમને અટકાવી ઇ-ચલણ માટે કાર સાઇડમાં લેવડાવી હતી.ઈન્ટરનેટ ધીમું ચાલતું હોવાથી ઇ-ચલણ આપવામાં સમય લાગતાં કાર ચાલક ઉગ્ર થયો હતો અન મારે મોડુ થાય છે એટલી વાર લાગે તેમ કહી મહિલા પોલીસની હાજરીમાં ગાળો બોલી અભદ્ર વર્તન કરતા ત્યાં હાજર પીએસઆઇ રોહડીયાએ તેની જાહેરમાં સરભરા કરી શાન ઠેકાણે લાવી હતી.

જે બાદ તેને પોલીસ મથકે લઇ જવાયો હતો અને નામ પુછતા માનવ આનંદભાઇ જોષી (રહે. હનુમાન મઢી પાસે, રૈયા રોડ) જણાવ્યું હતું. જે બાદ યુવકના પરિવારજનો દોડી આવ્યો હતો. પોતાનો પુત્ર બિમાર હોવાની વાત કરી કાર ચાલકે લેખીતમાં માફી માંગતા મામલો થાળે પડયો હતો. ઉલ્લેખનીય છે કે બનાવનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.