3 દિવસમાં ખુલાસો આપો નહિ તો સ્કૂલને લાગશે ‘લોક’: ડી.ઇ.ઓ.
10 વર્ષથી ધોરાજીની છાડવાવદરની કાલરીયા સ્કૂલ ચાલતી હતી પણ ‘કાગળ’પર
આચાર્ય અને ક્લાર્ક ઘરે બેસીને પગાર લેતા હતા, જ્યારે ગામના બાળકો ધોરાજી અને ઉપલેટા અપડાઉન કરી અભ્યાસ કરી રહ્યા છે: ગ્રામજનો દ્વારા ઘટસ્ફોટ થતા શિક્ષણ વિભાગ આકરાં પાણીએ
જે શાળા દશ વર્ષથી માત્ર કાગળ પર ચાલી સરકારને મૂર્ખ બનાવતી હતી એ ધોરાજીના છાડવાવદર ગામની કાલરીયા સ્કૂલને જિલ્લા શિક્ષણ વિભાગે ત્રણ દિવસમાં ખુલાસો કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે.
ધોરાજી નજીકથી ડમી સ્કૂલ ઝડપાયા બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું. કાલરીયા સ્કૂલના આચાર્ય અને કલાર્ક ઘરે બેઠા બેઠા પગાર થતા હતા અને વિદ્યાર્થીઓ ગામમાં સ્કૂલ હોવા છતાં પણ ધોરાજી અને ઉપલેટા અપડાઉન કરતા હતા તો ઘણા વિદ્યાર્થીઓને ગામમાં શાળા ન હોવાના લીધે અભ્યાસ પર અધવચ્ચેથી મૂકી દેવો પડ્યો હતો તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી.
સરસ્વતીના આ આરાધકોએ માત્ર ને માત્ર રૂપિયા કમાવવા શરમ પણ મૂકી દીધી હતી. સમગ્ર મામલો ગ્રામજનો દ્વારા પ્રકાશમાં આવતા જિલ્લા શિક્ષણ વિભાગએ આ બાબતે રિપોર્ટ તૈયાર કર્યો હતો. ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયા બાદ તત્કાલીન જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ દ્વારા તપાસ શરૂ થઈ હતી તે દરમિયાન તેમની પાસેથી ચાર્જ લઈ નવા અધિકારી કિરીટસિંહ પરમારને સોંપવામાં આવ્યો હતો.
તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ ત્યારે એવી માહિતી સામે આવી છે કે કોરોના પછી આ સ્કૂલ શરૂ થઈ નથી અને આચાર્ય તેમજ ક્લાર્ક માત્ર પગાર લઈ રહ્યા છે. આ મામલે હવે નવા ડીઇઓ કિરીટસિંહ પરમારએ આ શાળાના સંચાલકો વિરુદ્ધ ધગધગતો રિપોર્ટ તૈયાર કર્યો છે. જો ત્રણ દિવસમાં સંચાલકો ખુલાસો આપવામાં નિષ્ફળ નિવડશે તો શાળા બંધ કરવાનો આદેશ કરવામાં આવશે તેવું ડી.ઇ.ઓ.એ. જણાવ્યું હતું.