મગફળી અને આડ પેદાશોને નિકાસમાં પ્રોત્સાહન આપો : સમીર શાહ
ઇથેનોલ ઉત્પાદનની સસ્તી બાય પ્રોડ્કટને કારણે સીંગખોળના ભાવમાં અડધો અડધ ઘટાડો
આયાતી તેલ સામે હરીફાઈમાં સીંગતેલની ટકાવી રાખવા કેન્દ્રીય વાણિજ્યમંત્રીને રજુઆત
રાજકોટ : આયાતી સસ્તા ખાદ્યતેલ સામે સીંગતેલ હાંફી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્ય ખાદ્યતેલ અને તેલિબીયા એસોસીએશનના પ્રમુખ સમીર શાહે રાજ્યના ઓઇલમીલર્સને પડતી મુશ્કેલીઓ અંગે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોએલને પત્ર પાઠવી મગફળી અને મગફળીની આડ પેદાશને નિકાસની છૂટ આપવાની સાથે મગફળીના ખોળના તળિયે બેસી ગયેલા ભાવ ઉંચા આવે તે માટે પ્રયાસો કરવા નિકાસમાં રાહત આપવા માંગ ઉઠાવી છે.
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોએલને રજુઆત કરતા ગુજરાત રાજ્ય ખાદ્યતેલ અને તેલિબીયા એસોસીએશનના પ્રમુખ સમીર શાહે જણાવ્યું છે કે, રાજ્યમાં તેલીબિયાનું ઉત્પાદન ઓછું થતું હોવાથી તેલમિલો ઓછા સમય માટે જ કાર્યરત રહી શકે છે, જો કે, ચાલુ વર્ષે મગફળીનું વિક્રમી વાવેતર થયું હોવાથી લાંબો સમય સુધી તેલમિલો ચાલુ રહે તેમ હોવાનો આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મગફળીના ટેકાના ભાવ વધ્યા હોવાથી ઉંચાભાઈ મગફળી ખરીદી કર્યા બાદ તેલનું પીલાણ કરતા 50 ટકા જેટલો સીંગ ખોળ નીકળે છે.પરંતુ છેલ્લા બે વર્ષમાં સીંગ ખોળનો ભાવ 45 હજાર રૂપિયા ટનથી ઘટીને 22થી 24 હજાર રૂપિયા ટન થઇ જતા ઓઇલમીલર્સ સસ્તા ભાવે સીંગતેલ આપી શકતા નથી.
વધુમાં સમીર શાહે રજુઆતમાં ઉમેર્યું હતું કે, પાછલા વર્ષોમાં ઇથેનોલનું ઉત્પાદન વધતા ઇથેનોલના ઉત્પાદનમાંથી બાય પ્રોડક્ટ તરીકે નીકળતું વેસ્ટ પ્રમાણમાં સસ્તું હોવાથી પશુપાલકો સસ્તા ભાવે મળતો આ કુચો ખરીદ કરે છે પરિણામે સીંગ ખોળના ભાવ તળિયે બેસી ગયા છે, સાથે જ અગાઉ મગફળી અને મગફળીની બાય પ્રોડક્ટ તરીકે નીકળતા સીંગ ખોળની 80 ટકા નિકાસ થતી હતી પરંતુ હાલમાં માત્ર 2થી 5 ટકા જ નિકાસ થતી હોય અન્ય નિકાસની જેમ જ મગફળી અને તેની પ્રોડક્ટ ઉપર ડ્યુટી ડ્રો બેક તેમજ ઈન્સેન્ટિવ આપવામાં આવે તેવી રજૂઆતના અંતે માંગ ઉઠાવી હતી.