યુએલસી ફાજલ જમીનોમાં ફેન્સીંગ માટેની કાર્યવાહી શરૂ
ફેન્સીંગની કાર્યવાહી શરૂ થતા જ કિંમતી જમીનો ઉપરના દબાણના રહસ્ય ખુલ્લા પડશે
રાજકોટ શહેરના રૈયા વિસ્તારમાં યુએલસી ફાજલ થયેલી કરોડોની કિંમતી જમીનના બોગસ દસ્તાવેજ બની જવાના પ્રકરણ બાદ ચોકી ઉઠેલા જિલ્લા કલેકટર દ્વારા રાજકોટ શહેર તેમજ શહેરની આજુબાજુમાં આવેલ લાખો ચોરસ મીટર યુએલસી ફાજલ જમીન ઉપર તાત્કાલિક ફેન્સીંગ મારી સરકારની માલિકીની જગ્યા ઉપર બોર્ડ લગાવવા આદેશ કરતા યુએલસી ફાજલ જમીનોના ખુલ્લા પ્લોટની જમીન ઉપર ફેન્સીંગ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 1976માં અમલી બનેલ અર્બન લેન્ડ સીલિંગ એક્ટ એટલે કે યુએલસી કાયદા મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં લાખો ચોરસ મીટર કિંમતી જમીન ફાજલ જાહેર થયા બાદ આ જમીન હાલમાં ધણી ધોરી વગરની પડી હોય જમીન કૌભાંડી તત્વો અને માથાભારે તત્વોના નિશાના ઉપર આવી ગઈ હય\હોય મોટાભાગની યુએલસી ફાજલ જમીન ઉપર દબાણ ખડકાઈ ગયા છે, વધુમાં તાજેતરમાં રાજકોટમાં આવી જ એક યુએલસી ફાજલ થયેલી સરકારી જમીન ઉપર જમીન કૌભાંડિયા તત્વોએ બોગસ દસ્તાવેજ ઉભો કરી લઈ પ્રોપર્ટીકાર્ડમાં નોંધ પણ કરાવી લેતા જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ શહેર અને શહેરની આજુબાજુના વિસ્તારમાં આવેલ તમામ યુએલસી ફાજલ જમીનની સ્થળ સ્થિતિ ચકાસી તાત્કાલિક ફેન્સીંગ કરવા સૂચના આપી હતી.
બીજી તરફ રાજકોટ શહેરમાં રૈયા, નાનામવા, મોટામવા, મવડી, વાવડી, કોઠારીયા, માધાપર, પરાપીપળીયા, પડધરી તાલુકાના ન્યારા અને લોધિકાના કાંગશીયાળી ખાતે મોટા પ્રમાણમાં આવી યુએલસી ફાજલ જમીન પડી હોય જિલ્લા કલેકટરે આપેલી સૂચના અન્વયે તમામ પ્રાંત અધિકારી દ્વારા મામલતદાર પાસેથી રિપોર્ટ મંગાવી ખુલ્લી જમીનની સ્થળ સ્થિતિ ચકાસણીના અંતે ફેન્સીંગ માટેની કાર્યવાહી શરૂ કરાવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બીજી તરફ યુએલસી ફાજલ જમીન ઉપર ફેન્સીંગની કાર્યવાહી શરૂ કરવામાં આવતા જ હવે આવી જમીન ઉપરના દબાણો કરનારા સામે પણ પગલાં તોળાઈ રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહયા છે.