રાજકોટ આવતી ખાનગી ટ્રાવેલ્સમાં આગ ભભૂકતા બળીને ખાખ
પોરબંદરથી આવતી બસ ધોરાજીના સુપેડી ગામ નજીક હાઈવે પર પહોંચી ત્યારે વાયરિંગ શોર્ટ થતાં આગ લાગી : 25 જેટલા પેસેન્જરનો આબાદ બચાવ
રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડી ગામ નજીક નેશનલ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. પોરબંદરથી રાજકોટ આવતી શક્તિ ટ્રાવેલ્સ નામની બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.જ્યારે ડ્રાઇવરની સમયસૂચકતાના કારણે બસમાં બેઠળ તમામ લોકો નીચે ઉતરી જતાં મોટી જાણહાનિ ટળી હતી અને બસ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ હતી.
મળતી માહિતી મુજબ પોરબંદરથી રાજકોટ આવતી શક્તિ ટ્રાવેલ્સ નામની બસ ધોરાજીના સુપેડી ગામ નજીક નેશનલ હાઈવે પર પહોંચી ત્યારે તેમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.આગ લાગ્યાની જાણ થતાં જ ધોરાજી નગરપાલિકા ફાયર બ્રિગેડ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગ કાબૂમાં આવે એ પહેલાં જ ટ્રાવેલ્સ સંપૂર્ણ બળીને ખાખ થઈ જવા પામી હતી. સદનસીબે ટ્રાવેલ્સમાં બેઠેલ 25 જેટલા પેસેન્જરનો આબાદ બચાવ થયો હતો.સમગ્ર બનાવને લઈને ડ્રાઇવર મનસુખ બારોટે જણાવ્યું કે, પોરબંદરથી રાજકોટ આવતા હતા અને રસ્તામાં વાયરિંગ શોર્ટ થતાં આગ લાગી હતી. ત્યારે બસમાં ધુમાડા નીકળતા સમય સૂચકતા દાખવી પેસેન્જર, કન્ડક્ટરને બધાને સામાન સહિત બસમાંથી નીચે ઉતારી લેવાયા હતા. જેથી કોઈ જાનહાનિ થવા પામી નહોતી.