25મીએ વડાપ્રધાન એઇમ્સ અને ઝનાના હોસ્પિટલનું જ લોકાર્પણ કરશે
રેસકોર્ષમાં જાહેર સભા માટે 5 જર્મન ડોમ, 10 એલઇડી મુકાશે : અટલ સરોવર અને સ્માર્ટ સીટી પ્રોજેકટની બાદબાકી
રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી તા.24 અને 25 ફેબ્રુઆરી બે દિવસના ગુજરાત પ્રવાસને લઈ સમગ્ર રાજ્યનું વહીવટીતંત્ર તૈયારીમાં લાગ્યું છે ત્યારે આજે રાજ્યના મુખ્ય સચિવે વિડિયો કોનફરન્સના માધ્યમથી રાજકોટ, દ્વારકા સહિતના જિલ્લા કલેકટર અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, બીજી તરફ રાજકોટમાં અગાઉ વડાપ્રધાનના હસ્તે એઇમ્સ, ઝનાના હોસ્પિટલ, અટલ સરોવર અને સ્માર્ટ સીટી પ્રોજેક્ટના લોકાર્પણની ચર્ચા વચ્ચે હવે વડાપ્રધાનના હસ્તે માત્ર ઝનાના હોસ્પિટલ અને એઈમ્સના લોકાર્પણ ફાઇનલ થયા હોવાનું તેમજ રેષકોર્ષમાં જાહેરસભા કાર્યક્રમ નક્કી કરાયાનું જાણવા મળે છે.
આગામી તા.25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજને ખુલ્લો મુખ્ય બાદ સીધા હવાઈ માર્ગે રાજકોટ આવી ગુજરાતની પ્રથમ એવી રાજકોટ ખાતેની એઇમ્સ હોસ્પિટલમાં 250 બેડની સુવિધા સાથેની અનેક સુવિધાઓને શરૂ કરવનાર છે સાથે જ ઝનાના હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવનાર હોવાથી વડાપ્રધાનના કાર્યક્રમને લઈ આજરોજ રાજ્યના મુખ્ય સચિવ દ્વારા વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં થયેલી ચર્ચા મુજબ છેલ્લી ઘડીએ રાજકોટના અટલ સરોવર અને સ્માર્ટ સીટી પ્રોજેક્ટનું લોકાર્પણ નહીં કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
વધુમાં વડાપ્રધાનની રાજકોટ મુલાકાત દરમિયાન તેઓ સીધા એઇમ્સ ખાતે પહોંચી સર્કિટ હાઉસ પહોંચી ત્યાંથી રેષકોર્ષ સભા સ્થળે પહોંચનાર હોય હાલમાં એઇમ્સ, સર્કિટ હાઉસ અને સભાસ્થળ મળી ત્રણેય સ્થળોએ લોખંડી બંદોબસ્ત ગોઠવવા સહિતની બાબતો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. નોંધનીય છે કે, રેષકોર્ષ ખાતે જાહેર સભા માટે 5 જર્મન ડોમ અને 10 એલઇડી મુકાશે. સાથે જ વડાપ્રધાનના કાર્યક્રમને લઈ વહીવટીતંત્ર દ્વારા વિવિધ 26 કમિટીની રચના કરવામાં આવી હોવાનું અને સાંજ સુધીમાં જે તે અધિકારીઓને આ અંગેની જવાબદારી પણ સુપ્રત કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
વડાપ્રધાનની જાહેરસભામાં 2 લાખની જનમેદનીનો ટાર્ગેટ
રાજકોટ : આગામી તા.25ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાજકોટ કાર્યક્રમ બાદ યોજાનારી જાહેરસભામાં 2 લાખની જનમેદની એકત્રિત કરવા માટે વિવિધ જિલ્લાને લક્ષ્યાંક સોંપી દેવામાં આવ્યા છે જેમાં રાજકોટ સિટીમાંથી 50 હજાર લોકો ઉપરાંત જૂનાગઢ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ સહિતના જિલ્લામાંથી પબ્લિક લઈ આવવામાં આવશે. જો કે, દ્વારકા કાર્યક્રમને લઈ જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લાને રાજકોટની જવાબદારી સોંપવામાં ન આવી હોવાનું જાણવા મળે છે.
વડાપ્રધાનની જાહેરસભા માટે 1400 એસટી બસ દોડાવાશે
રાજકોટ : તા.25 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં વડાપ્રધાન મોદીની જાહેરસભામાં માનવ મેદની એકત્રિત કરવા કુલ 1400 એસટી બસ દોડાવવામાં આવશે જેમાં રાજકોટ એસટી ડિવિઝનની 500 પૈકી 200 બસ ઉપયોગમાં લેવામા આવશે જેને પગલે રાજકોટ ડેપોના 60 ટકા રૂટોને અસર પહોંચનાર હોય તા. 24 અને 25ના બે દિવસ દરમિયાન અનેક મુસાફરોને હાલાકીનો ભોગ બનવું પડશે