ચૂંટણી ખર્ચ : ચા, નાસ્તો,ડીજે, ગાડી અને મંડપ સહિત 500 ચીજવસ્તુઓના ભાવ નક્કી કરાશે
લોકસભા ચૂંટણી ખર્ચના હિસાબોમાં રાજકીયપક્ષો અંચઈ નહીં કરી શકે, તમામ રાજકીય પક્ષને રેટ ચાર્ટથી વાકેફ કરી આખરી ભાવ નક્કી કરાશે
રાજકોટ : લોકસભા ચૂંટણીમાં ચૂંટણી લડતા ઉમેદવારો માટે 95 લાખ રૂપિયાના ખર્ચની મર્યાદા જાહેર કરવામાં આવી છે ત્યારે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીયપક્ષો દ્વારા પ્રચાર,પ્રસાર માટે કરવામાં આવતા ખર્ચમાં એકસૂત્રતા જળવાઈ રહે તેમજ ખોટા હિસાબો રજૂ ન થાય તે માટે ચૂંટણીપંચની ગાઈડ લાઈન મુજબ રેટ ચાર્ટ અમલી બનાવી ચ્હા, નાસ્તો, ભોજન, પ્રચાર માટેના લાઉડ સ્પીકર, ડીજે, મંડપ વગેરેના ખર્ચ માટે દર નક્કી કરવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મંગળવારે તમામ માન્ય રાજકીયપક્ષના પ્રતિનિધિઓ સાથે રેટ ચાર્ટ બેઠક યોજી 500 જેટલી વિવિધ આઇટમોના ભાવ નક્કી કરવા કસરત કરવામાં આવી હતી.
લોકસભા ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતાને અમલી બને તથા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટેની કામગીરીના ભાગરૂપે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને જિલ્લાના વિવિધ માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.આ બેઠક અન્વયે રાજકીય પક્ષો સાથે ચા, નાસ્તો, ભોજન, મંડપ, લાઉડ સ્પીકર, વાહનો, હોર્ડિંગ વગેરે અંગેના રેટ ચાર્ટ, ખર્ચ અને હિસાબો ઉપરાંત આદર્શ આચાર સંહિતા અમલીકરણ અને તેના હેતુઓ વગેરે વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રાજકીય પક્ષો સાથે ચર્ચા વિચારણા કરી રેટ ચાર્ટમાં વિવિધ રેટ પણ નિર્ધારિત કરવા બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં, માર્ગ અને માંકન વિભાગ, પ્રોગ્રામ એકઝ્યુકેટીવ ઓલ ઇન્ડિયા રેડીઓના, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ માહિતી નિયામક, પીજીવીસીએલ, બીએસએનએલ, આરટીઓ, જિલ્લાની તમામ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
