રાજકોટમાં ગર્ભ પરીક્ષણ થાય છે? શહેરની હોસ્પિટલોમાં ચેકિંગ
જિલ્લા પંચાયત- મહાનગર પાલિકાની ૧૩ ટીમે કર્યું સંયુક્ત ઓપરેશન
રાજકોટમાં જિલ્લા પંચાયત અને મહાનગર પાલિકાની ટીમ દ્વારા શહેરમાં સોનોગ્રાફી મશીન ધરાવતી હોસ્પિટલો પર ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જુદી-જુદી ૧૩ ટીમ બનાવી શુક્રવારે સવારથી જ ક્યાંય ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું નથી ને? તે મુદ્દે તપાસ કરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી પી.કે.સિંઘ દ્વારા સોનોગ્રાફી મશીન ધરાવતી નોંધાયેલી હોસ્પિટલોમાં તાલુકા અને મહાનગર પાલિકાના સિનિયર ડોકટરો સાથેની ટીમ શહેરની જુદી-જુદી હોસ્પિટલો પર ત્રાટકી હતી. જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી પી.કે.સિંઘે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં ૨૫૦ સોનોગ્રાફી મશીન ધરાવતી હોસ્પિટલ નોંધાયેલી છે. તેઓ કાયદાનું પાલન કરે છે કે નહિ? ગર્ભ પરીક્ષણ કરે છે નહિ? સોનોગ્રાફી મશીન, એક્સ-રે દ્વારા પણ ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોય છે માટે આવી હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રેકોર્ડ પણ તપાસવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે ગર્ભ પરીક્ષણ કરવું તે ગુનો બને છે તેમ છતાં કેટલાક ડોકટરો રૂપિયાની ચાલચમાં ગર્ભ પરીક્ષણ કરતાં હોય છે. તેવામાં શુક્રવારે શહેરની અંદાજે ૬૦થી વધુ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સિનિયર ડૉક્ટર સાથે સપોર્ટ સ્ટાફ સાથેની ટીમ હોસ્પિટલોમાં ચેકિંગ કરવા ત્રાટકતા ડૉક્ટરોમાં દોડધામ મચી જવા પામી હતી.