સરકારના નવા નિયમોથી પ્રિ-સ્કૂલ બંધ કરવી પડે તેવી સ્થિતિ
આકરા નિયમોથી રાજકોટની 700 સહિત રાજ્યની 40 હજાર પ્રિ-સ્કૂલોની હાલત કફોડી
રાજકોટ : રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફટી અને બિયું પરમિશન સહિતના મુદ્દે અનેક સ્કૂલો સીલ કરવાની સાથે પ્રિ-સ્કૂલો માટે પણ આકરા નિયમો અમલી બનતા રાજકોટ સહિત રાજ્યમાં પ્રિ-સ્કૂલ સંચાલકોને સહન કરવાનો વારો આવ્યો હતો, બીજી તરફ સરકારે અગ્નિકાંડ બાદ તમામ પ્રિ-સ્કૂલો માટે પણ એસઓપી ઘડી કાઢી બિયું પરમિશન અને 15 વર્ષના ભાડાકરાર સહિતના આકરા નિયમો અમલી બનાવતા આ નિયમોને કારણે પ્રિ-સ્કૂલ બંધ કરવી પડે તેવી નોબત આવી હોવાનું રાજકોટના પ્રિ-સ્કૂલ સંચાલકોએ જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપી જણાવ્યું હતું.
ગુજરાત ઈન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોસિએશના નેજા હેઠળ જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરતા રાજકોટના સંચાલકોએ જણાવ્યું હતું કે, રાજકોટમાં 700થી 800 જેટલી અને રાજ્યમાં 40 હજાર જેટલી પ્રિ-સ્કૂલો ચાલે છે, પ્રિ – સ્કૂલએ ખૂબજ નાની સંસ્થા છે જેનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. આવી પ્રિ-સ્કૂલસ્નું ટર્નઓવર ઘણું ઓછું હોય છે આથી ટ્રસ્ટ, નોન પ્રોફિટ કંપની, સહકારી મંડળીની સાથે સાથે પ્રોપરાઇટર કે ભાગીદારીનો વિકલ્પ પ્રિ-સ્કૂલની નોંધણી માટે હોવો જોઈએ. આવો ફેરફાર કરવામાં આવે તો સંચાલકો ટ્રસ્ટ,મંડળી,કંપનીને મેન્ટેન કરવાની કાયદાકીય પ્રક્રિયાઓમાંથી મુક્ત રહે તો તેમનો સમય અને ઉર્જા બાળકોને NEP-2020 મુજબનું શિક્ષણ આપી શકે.
વધુમાં પ્રિ-સ્કૂલ માટે નોંધણી ફી વર્ગના એક વિભાગ દીઠ રૂપિયા 5,000 છે તે સ્કૂલ દીઠ હોવી જોઈએ નહિ કે વર્ગદીઠ તેમ જણાવી આશરે 90% થી પણ વધુ પ્રિ-સ્કૂલસ્ ભાડાના મકાનમાં ચાલે છે. નોંધણી કરાવવા માટે સરકારશ્રીએ 15 વર્ષનો રજીસ્ટર્ડ ભાડા કરાર માંગ્યો છે. જે મોટાભાગના મકાન માલિકો પોતાની અસહમતી દર્શાવી રહ્યા છે. વળી રજીસ્ટર્ડ ભાડા કરારથી ખૂબ જ આર્થિક બોજો સહન કરવો પડે તેવો છે. જેને લઈને કોઈ પણ પ્રિ-સ્કૂલ સંચાલક ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા રાજી નથી જેથી ભાડા કરારની અવધી ઘટાડીને 11 માસ કરવામાં આવે અને રજીસ્ટર્ડ ભાડા કરાર ને બદલે નોટરાઈઝડ ભાડાકરારની મંજૂરી આપવામાં આવે તો આ પ્રશ્ન હલ થઈ જાય તેમ હોવાની રજુઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત રેહણાક બી. યુ. પરમિશન માન્ય રાખવામાં આવે અને ન હોવાના કિસ્સામાં સ્ટ્રકચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટને માન્ય રાખવામાં આવે તેવી માંગ કરી બીયુપી બાબતે હાલ રાજકોટની ઘટના બાદ દરેક નગર તેમજ મહાનગર પાલિકામાં ઘણી બધી વિસંગતાઓ જોવા મળેલ છે જેમાં GDCR મુજબ પ્રિ સ્કૂલસનો રેસી- DW -2 અને DW -3 માં સમાવેશ છે પરંતુ જૂના મકાનો કે જે વપરાશ યોગ્ય છે જ પરંતુ તેમના BUP માં ડવેલિંગ કે Preschool લખવાનું ચલણ જે તે સમયે ના હોય જોખમના ધારા ધોરણો માટે જરૂરી ખરાઈ કરીને હાલ જે પરિસ્થિતિમાં પ્રિ-સ્કૂલ ચાલે છે તેમજ ચાલવા દેવામાં આવે તેવી માંગ રજૂઆતના અંતે કરવામાં આવી હતી.