રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી સપ્તાહમાં 1 કરોડની પાવરચોરી ઝડપાઇ
ગોંડલ ગ્રામ્ય અને શહેરમાંથી રૂ.36.80 લાખ, ઉના પંથકમાં રૂ.27 લાખના વીજ બિલો ફટકારાયા
પીજીવીસીએલ દ્વારા રાજકોટ ગ્રામ્ય વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રમાં એક સપ્તાહમાં રૂ.1 કરોડની વીજ ચોરી ઝડપી લીધી હતી. તેમાં પણ ગોંડલ ગ્રામ્ય અને શહેરમાંથી એક જ દિવસમાં રૂ.36.80 લાખ તેમજ ઉના ડિવિઝન અને અમરેલી પંથકમાં રૂ.27 લાખની પાવર ચોરી ઝડપી લેવામાં આવતા વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્રમાં વીજ ચેકિંગનો દોર શરૂ રાખવામાં આવશે તેમ પીજીવીસીએલના વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.
રાજકોટ તેમજ સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલનું એક સપ્તાહ દરમિયાન રહેણાંક વિસ્તારોમાં ચેકિંગ કરવામાં હતું. જેના પગલે સપ્તાહમાં લાખોની વીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી. કોટડા સાંગાણી પંથકમાં તેમજ ગોંડલ ગ્રામ્ય અને સીટી વિસ્તારમાંથી રૂ.15 લાખની પાવર ચોરી ઝડપી લેવામાં આવી હતી. જ્યારે ઉના સીટી, ધોકડવા, અમરેલી પંથકમાંથી રૂ.18.41 લાખની વીજ ચોરી ઝડપી દંડનીય વસૂલાત કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસોથી કાળજાળ ગરમીના પગલે વીજ વપરાશ વધ્યો છે તેના પગલે આવા ચોરીનું દૂષણ પણ વધી ગયું હોવાનું pgvclને મળેલી ફરિયાદમાં બહાર આવ્યું હતું. દિવસના ભાગમાં વીજ વપરાશનું પ્રમાણ વધતાંરાજકોટ ગ્રામ્ય સહિત અમુક ઔદ્યોગિક વિસ્તારોમાં પણ વીજ ધરાવતા ફિડરો હેઠળના વિસ્તારોમાં સતત પીજીવીસીએલનું ચેકિંગ ચાલુ રહેતા વીજ ચોરી કરતા લોકોમાં ફાફડાટ વ્યાપી ગયો હતો.
આ ઉપરાંત રાજકોટ શહેર તેમજ ગોંડલ કોટડા સાંગાણી પંથકમાં અમુક ફીડર હેઠળના વિસ્તારમાં વીજ ચોરીની ફરિયાદ છેલ્લા કેટલાય દિવસોથી વધી ગઈ હોવાથી પીજીવીસીએલ દ્વારા રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં સપાટો બોલાવી લાખોની વીજચોરી ઝડપી લીધી હતી. ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર અને વાસાવડ વિસ્તારમાં સતત ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે અમરેલી સર્કલ હેઠળના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચેકિંગનો દોર યથાવત રહ્યો હતો. જેના પગલે પીજીવીસીએલને મોટી સફળતા મળી હતી અને શહેરી વિસ્તારમાં પણ આગામી દિવસોમાં ફરી ચેકીંગ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.