સૌરાષ્ટ્રમા વીજપુરવઠો પૂર્વવત : હવે એક જ ગામ વીજળી વગરનું
પીજીવીસીએલના 11,228 વીજ પોલ અને 746 ટ્રાન્સફોર્મર ડેમેજ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના પડેલા ભારે વરસાદ બાદ પીજીવીસીએલ દ્વારા દિવસ – રાત એક કરી કામગીરી કરવામાં આવતા અંતે માત્ર એક ગામને બાદ કરતા તમામ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે, ભારે વરસાદને પગલે પીજીવીસીએલના 11,228 વીજપોલ ડેમેજ થવાની સાથે 746 ટીસી ડેમેજ થયા હોવાનું સામે આવ્યું છે.
પીજીવીસીએલના રિપોર્ટ મુજબ મંગળવાર સુધીમાં રાજકોટ શહેર, ગ્રામ્ય, મોરબી, પોરબંદર, જૂનાગઢ, જામનગર, ભુજ, અંજાર, ભાવનગર, બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતીવાડીના કુલ 413 ફીડર બંધ છે બાકીના તમામ ફીડર ચાલુ થઈ ગયા છે.
બીજી તરફ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીને ભારે વરસાદને કારણે કરોડો રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે જેમાં સૌથી વધુ નુકશાન રૂપે 746 ટ્રાન્સફોર્મર ડેમેજ થવાની સાથે 11,228 વીજપોલ ડેમેજ થતા હાલમાં તમામ વીજપોલ અને ટીસી રિસ્ટૉરેશન કરવાની કામગીરી જોરશોરથી ચાલુ હોવાનું સતાવાર રીતે જાહેર કરાયું છે.