મતગણતરીમાં પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી થશે
800 જેટલા મતગણતરી સ્ટાફને તાલીમ અપાઈ : પોસ્ટલ બેલેટ માટે કર્મચારીઓને તા.29મીએ તાલીમ
રાજકોટ : આગામી તા.4જૂનના રોજ યોજનાર રાજકોટ લોકસભા બેઠકની મતગણતરીમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવશે, આ ચૂંટણીમાં 12600 પોસ્ટલ બેલેટના મતો પડ્યા છે. સાથે જ સૌનિકો દ્વારા કરવામાં આવેલ ઇટીબીપીએસ મતદાનના 292 જેટલા મત છેની પણ પોસ્ટલ સાથે જ મતગણતરી કરવામાં આવશે, દરમિયાન શુક્રવારે અધિક ચૂંટણી અધિકારી દ્વારા 800 જેટલા સ્ટાફને મતગણતરી માટે તાલીમ આપવામાં આવી હતી.
અધિક ચૂંટણી અધિકારી એન.કે.મુછારે જણાવ્યું હતું કે, રાજકોટ બેઠકમાં કુલ મળી 12600 પોસ્ટલ બેલેટના મતો પડ્યા છે. પોસ્ટલ બેલેટના મતોની ગણતરી 26 ટેબલો પર કરવામાં આવનાર છે. ઇવીએમ મશીનોના મતોની ગણતરી સાથે જ આ પોસ્ટલ બેલેટના મતોની ગણતરી કરવામાં આવનાર છે. પોસ્ટલ બેલેટની મત ગણતરી માટે 26 ટેબલ ગોઠવામાં આવશે. જેમાં દરેક ટેબલ પર 500-500 જેટલા મતોની ગણતરી કરવામાં આવશે. પોસ્ટલ બેલેટના મતોની ગણતરી માટે કર્મચારીઓને તા.29ના રોજ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ અલગથી તાલિમ આપવામાં આવશે.
વધુમાં રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં 292 સૈનિકોએ ઇટીબીપીએસ સિસ્ટમથી મત આપ્યા હોય ઇટીબીપીએસ મતોની ગણતરી માટે અંદાજે 3 કલાક જેવો સમય પસાર થશે તેવું સુત્રોએ જણાવ્યું હતું. સૈનિકોએ આપેલા આ ઇટીબીપીએસ મતોની ગણતરી માટે કવર અને બેલેટને સ્કેન કરવાનું હોય છે તેમજ ક્યુઆર કોડ એન્ટર કર્યા બાદ જ આ મતો ખુલ્લે છે. સ્કેન અને ક્યુઆર કોડ મેળવવામાં લાંબો સમય પસાર થતો હોય આવા 292 મતોની ગણતરીમાં 3 કલાક જેવો સમય પસાર થશે.