હનુમાન મઢી પાસે રંગ ઉપવન સોસાયટીમાં દારૂની ચાલું મહેફિલે પોલીસનો દરોડો
ચાર પ્યાસી પકડાયા: અગાશી ઉપર જ મહેફિલ ગોઠવી’તી
પોલીસની લાખ કોશિશ છતાં રાજકોટમાં દારૂનું દૂષણ અટકવાનું નામ લઈ રહ્યું ન હોય દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં દેશી-વિદેશી દારૂનો જથ્થો તેમજ પ્યાસીઓ પકડાઈ રહ્યા છે. આવી જ એક દારૂની મહેફિલમાં પોલીસે રંગમાં ભંગ પાડી ચાર નશેડીઓને પકડીને કાયદાનું બરાબરનું ભાન કરાવ્યું હતું.
ગાંધીગ્રામ પોલીસે બાતમીના આધારે હનુમાન મઢી પાસે રંગ ઉપવન સોસાયટી શેરી નં.૧માં શાંતિ નામના મકાનની અગાશી ઉપર દરોડો પાડી દારૂ પી રહેલા નિકુંજ મનસુખભાઈ ધોરડા, જીતેન હરકિશનભાઈ પરમાર, કાર્તિક રતિભાઈ સતીકુવર અને મોનિશ સતીષભાઈ ભોરડાની ધરપકડ કરી હતી. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની અડધી બોટલ, ગ્લાસ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ પહોંચી તે પહેલાં ચારેય અડધી બોટલ ગટગટાવીને નશામાં ચકચૂર બની ગયા હતા અને અગાશી ઉપર બેઠા બેઠા બકવાસ કરી રહ્યા હોય કોઈ જાગૃત નાગરિકે જ કંટ્રોલ રૂમમાં ફોન કરીને આ મહેફિલ અંગે જાણ કરી હતી. પોલીસે ચારેયની ધરપકડ કરીને નશો ઉતારી નાખ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાધેશ્યામ ગૌશાળા પાસે જુગારક્લબ પકડાઈ
તાલુકા પોલીસે વાવડી ગામ પાસે રાધેશ્યામ ગૌશાળાની બાજુમાં વસુંધરા ટેનામેન્ટના બ્લોક નં.૧૪માં જુગાર રમી રહેલા હિંમત દેવાહિતકા, નીશા રામસીંગભાઈ ઠકુડી, સરોજ વિજયભાઈ સોનરાત, સવિતા મહેશપુરી ગોસ્વામી, હંસા શ્રીપ્રસાદ રાણા અને મનિષા ઉર્ફે પ્રિયા જીતભાઈ વીસાણીને ૨૨૩૦૦ની રોકડ સાથે પકડી પાડ્યા હતા.