રાજકોટમાં સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લેતા પોલીસ ઓબ્ઝર્વર
વિવિધ ચેકપોસ્ટ અને કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી કેન્દ્રની પણ મુલાકાત લીધી
રાજકોટ : લોકસભા સામાન્ય ચૂંટણી અનુસંધાને રાજકોટ જિલ્લાના ૧૦ – સંસદીય મતવિસ્તારમાં નિયુક્ત થયેલ પોલીસ ઓબ્ઝર્વર ચંદનકુમાર ઝાએ રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના સંવેદનશીલ મતદાન કેન્દ્ર, વિવિધ ચેકપોસ્ટ અને કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી.
આગામી લોકસભા ચૂંટણીમાં સંવેદનશીલ મતદાન મથક તરીકે તારવવામાં આવેલ રાજકોટના વામ્બે આવાસ યોજના સ્થિત ભીમરાવ પ્રાથમિક શાળા નં. ૯૫, અંબિકા ટાઉનશીપની મોદી સ્કૂલ, લોધીકા તાલુકાના મેટોડામાં આવેલ સરદાર પટેલ પ્રાથમિક શાળા સહિતના સંવેદનશીલ મતદાન કેન્દ્રોની મુલાકાત પોલીસ ઓબ્ઝર્વર ચંદનકુમાર ઝાએ જરૂરી માહિતી મેળવી હતી. વધુમાં ઓબ્ઝર્વર ઝાએ મોટા મવા, માલવિયા નગર અને મેટોડા હાઇવે પરની ચેકપોસ્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ સાથે સંવાદ સાધીને સુરક્ષા બંદોબસ્તને લઈને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ વેળાએ રાજકોટ ગ્રામ્ય પોલીસ વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. હિરપરા તેમજ અન્ય પોલીસ કર્મીઓએ સાથે રહી તેઓને રાજકોટ ગ્રામ્ય પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા વ્યવસ્થાપનની માહિતી પૂરી પાડી હતી.