રાજકોટમાં સુરતવાળી ન થાય તે માટે પોલીસ એલર્ટ
પોલીસ કમિશનર દ્વારા ગણેશ પંડાલોમાં કડક સુરક્ષા રાખવા સૂચના
324થી વધુ ગણપતિ આયોજકો સાથે પોલીસ કમિશનરે બેઠક યોજી : રાત્રિના જે તે વિસ્તારના પીઆઇને પેટ્રોલીગમાં જવા અને આયોજકો સાથે સંપર્કમાં રહેવા સૂચન : પંડાલમાં બે લોકોને ફરજિયાત રાત્રિ રોકાણ
સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ ઉપર વિધર્મીઓએ કરેલા પથ્થરમારાની ઘટના બાદ રાજયભરમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જેને પગલે રાજકોટ પોલીસ પણ સતર્ક બની છે. ત્યારે ગઇકાલે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની અધ્યક્ષતામાં શહેરના 324થી વધુ ગણપતિ આયોજકો સાથે મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં શહેરના તમામ ગણેશ પંડાલના આયોજકોને ફરજિયાત બે લોકોને ગણેશ પંડાલમાં રાત્રી રોકાણ કરવા તેમજ તે વિસ્તારના પોલીસ મથકના પીઆઇને સતત પેટ્રોલિંગ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
વિગત મુજબ સુરતના સૈયદપુરામાં ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી. રાત્રે 9 વાગ્યા બાદ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા હતી. પોલીસે ટોળા વિખેરવા લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ છોડી મોડી રાત્રે 2 વાગ્યે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. આ મામલે કુલ 28 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.ત્યારે આ ઘટના બનતાની સાથે જ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એલર્ટ મોડમાં આવ્યા હતા.અને રાત્રિથી જ તેમના દ્વારા તમામ ગણેશ પંડાલો પર વોચ રાખવામાં આવ્યું હતું.તેમજ તેમના દ્વારા ગઇકાલે શહેરના તમામ ગણેશ પંડાલોના આયોજકો સાથે મિટિંગ કરવામાં આવી હતી.
આ મિટિંગમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-2 સજ્જનસિંહ પરમાર અને ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ સહિત શહેરના તમામ એસીપી તેમજ શહેરના તમામ પોલીસ મથકના પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતાં. મીટીંગમાં ગણેશ પંડાલ આસાપાસ જે તે વિસ્તારના પોલીસ મથકની પીસીઆર અને મોટર સાયકલ ઉપર સતત પેટ્રોલીંગ કરવા સુચના આપવામાં આવી હતી. અને તેમના વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારોમાં ગણેશ પંડાલના આયોજન હોય તો ત્યાં વિશેષ બંદોબસ્ત ગોઠવવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. આયોજકો દ્વારા ૨૪ કલાક ગણેશ પડાલ પાસે કોઈ વ્યકિતને હાજર રાખવા માટે અને કાયદો વ્યવસ્થાને લઈ કોઈ પણ પ્રશ્ન સર્જાય તો તુરતં પોલીસને જાણ કરવા જણાવ્યું છે.
બોક્ષ
હે .. આગામી ઈદનો તહેવાર હોવાથી બંને સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાશે
આ મામલે વધુ વિગતો આપતા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાએ જણાવ્યું હતું કે,આગામી સમયમાં ઈદનો તહેવાર પણ હોય આ દરમિયાન બંને સમાજના લોકો વચ્ચે કોઈ ઘર્ષણની ઘટના ન બને તે માટે ખાસ ધ્યાન રાખવા અને બંને સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજવા પણ પીઆઇને સૂચના આપવામાં આવી છે.ઉપરાંત પંડાલમાં બે લોકોને ફરજિયાત રાત્રિ રોકાણ કરવાનું આયોજકોને જણાવ્યું હતું. અને આયોજકો દ્વારા પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા જેને પોલીસ કમિશનરે સાંભળ્યા હતા.