હોસ્પિટલો માટે pmjay ધીકતો ધંધો ! રાજકોટમાં 16 મહિનામાં રૂ. 422 કરોડ ચૂકવાયા
શહેરી વિસ્તારની 48 અને ગ્રામ્ય વિસ્તારની 15 હોસ્પીટલોએ 1,96,769 દર્દીઓને સારવારના ક્લેઇમ કર્યા
રાજકોટ : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જરૂરત વગરના દર્દીઓની એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરી પીએમજેએવાય યોજના હેઠળ કરોડો રૂપિયાના ક્લેઇમ મંજુર કરાવી લેવાનો પર્દાફાશ થયો છે ત્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા 16 મહિનામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર આપતી શહેર અને જિલ્લાની કુલ મળી 63 હોસ્પીટલોએ દર્દીઓને સારવાર આપ્યા બાદ 1,96,769 ક્લેઇમ કરતા રૂપિયા 422 કરોડથી વધુનું ચુકવણું થયું હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ શહેરી વિસ્તારમાં 48 અને ગ્રામ્ય વિસ્તારમાં 15 મળી કુલ 63 હોસ્પિટલો નોંધાયેલ છે જેમાં ગત તા.11/07/2023 થી 01/12/2024 દરમિયાન પીએમજેએવાય કાર્ડના આધારે શહેરી વિસ્તારની 48 હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને સારવાર બદલ હોસ્પિટલો દ્વારા 1,71, 021 ક્લેઇમ કરવામાં આવી હોવાનું જણાવી રૂપિયા 5344559446નો ક્લેઇમ રજૂ કરવામાં આવતા અત્યાર સુધીમાં કુલ રૂપિયા 372 કરોડ 03 લાખ 23હજાર 333 રૂપિયાના ક્લેઇમ ચુકવવામાં આવ્યા હતા. જેની સામે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલ pmjay યોજના હેઠળની હોસ્પિટલોમાં 25, 748 ક્લેઇમ કરી 57 કરોડ 86 લાખ 76 હજાર 146ની રકમનો દાવો કરવામાં આવતા કુલ રૂપિયા 50,04,73,720ની રકમના ક્લેઇમના ચુકવણા કરવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય):
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 23 મી સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અથવા પીએમજેએવાય એ આયુષ્માન ભારત યોજનાનો બીજો ઘટક છે. પીએમજેએવાય એ વિશ્વભરમાં સૌથી મોટી હેલ્થ ઇન્શ્યોરન્સ યોજનાઓમાંની એક છે. તે ડાયગ્નોસ્ટિક્સ ટેસ્ટ, પ્રી-હોસ્પિટલાઇઝેશન ખર્ચ અને તબીબી સારવારના ખર્ચ માટે કવરેજ સાથે પ્રતિ વર્ષ કુટુંબ દીઠ ₹5 લાખનું કવર પૂરું પાડે છે. ઉપરાંત, કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ ની સુવિધા તેમ જ પેપરલેસ સુવિધા પણ પીએમજેએવાય હેઠળ ઉપલબ્ધ છે. પીએમજેએવાયના કવરેજ હેઠળ ઓછી આવક ધરાવતા 10.74 કરોડથી વધુ પરિવારો આ યોજનામાં સમાવી લેવામાં આવ્યા છે.
પીએમજેએવાય યોજના હેઠળ શું લાભ મળે
પીએમજેએવાય યોજના હૉસ્પિટલાઇઝેશન પહેલાના 3 દિવસ સુધી અને હૉસ્પિટલાઇઝેશન પછીના 15 દિવસ સુધીના ખર્ચને આવરી લે છે, જેમાં નિદાન અને દવાઓનો ખર્ચ શામેલ છે. કુટુંબના સભ્યોની સંખ્યા, ઉંમર અથવા જાતિ (સ્ત્રી/પુ.) આધારિત કોઈ પ્રતિબંધ નથી.પ્રથમ દિવસથી જ પહેલેથી હોય તેવા કોઈપણ રોગો માટે કવરેજ. ડે-કેર ખર્ચને પણ આવરી લેવામાં આવે છે. સ્કીમ હેઠળ નોંધાયેલા લોકો માટે પેપરલેસ સુવિધા સાથે કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ છે.