મેયરના વોર્ડમાં ૯૭ કરોડની જમીન પર થઈ ગયા’તા ઝુંપડાના ઢગલા
૬૦ ઝૂંપડા પર બૂલડોઝર ફેરવી જમીન ખુલ્લી કરાઈ: વોર્ડ નં.૬માં રામેશ્વર પાર્ક મેઈન રોડ પર રસ્તા ઉપર એંગલ મુકી દેવાયું હતું
રાજકોટના મેયર નયના પેઢડિયા જે વોર્ડમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે તે વોર્ડ નં.૪માં મહાપાલિકાની માલિકીની ૯૭.૪૩ કરોડની જમીન ઉપર ઝૂંપડાઓનો ઢગલો થઈ ગયો હોવા છતાં મેયર સહિતના પદાધિકારીઓ અંધારામાં રહી ગયા હતા. આખરે આ તમામ ઝૂંપડા તોડી પાડવા માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આદેશ છૂટતાં જ ટીપી શાખાએ બૂલડોઝર સાથે ત્રાટકીને ડિમોલિશન કર્યું હતું.
વોર્ડ નં.૪માં મહાપાલિકાના અનામત પ્લોટ નં.૩૪/બી કે જે કોમર્શિયલ હેતુનો ૧૦૧૬૬ ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતો ૪૦.૬૬ કરોડની કિંમતના પ્લોટ તેમજ આ જ વોર્ડમાં અનામત પ્લોટ નં.૩૫/એ કે જેનું ક્ષેત્રફળ ૧૪૧૯૩ ચોરસમીટર છે અને કિંમત ૫૭.૬૬ કરોડ રૂપિયા જેટલી છે ત્યાં ૬૦ જેટલા ઝુંપડા ઘણા લાંબા સમયથી ખડકાઈ ગયા હોય તેને તોડી પાડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત વોર્ડ નં.૬માં આવેલા રામેશ્વર પાર્ક મેઈન રોડ ઉપર એંગલ મુકી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હોય તે એંગલને પણ દૂર કરવામાં આવ્યું હતું.