રાજકોટ યાર્ડમાં કપાસ અને સોયાબીનના ઢગલા
એક જ દિવસમાં કપાસની 2300 કવીન્ટલ અને સોયાબીનની 2500 કવીન્ટલ આવક
રાજકોટ : દિવાળી બાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખરીફ સીઝનની ખેતપેદાશોની મબલખ આવક થઇ રહી છે જેમાં શુક્રવારે એક જ દિવસમાં રાજકોટ યાર્ડમાં કપાસની 2300 કવીન્ટલ અને સોયાબીનની 2500 કવીન્ટલ આવક નોંધાઈ હતી. સાથે જ શિયાળુ પાકમાં ઘઉં અને જીરુંના વાવેતર શરુ થયા હોય જુના ઘઉં અને જીરુંની પણ મોટા પ્રમાણમાં યાર્ડમાં આવક નોંધાઈ હતી.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શુક્રવારે 2300 કવીન્ટલની આવક નોંધાઈ હતી જેમાં ખેડૂતોને સારામાં સારા કપાસના 1498થી લઈ 1340 સુધીના પ્રતિમણના ભાવ ઉપજ્યાં હતા. આ ઉપરાંત આ વર્ષે રાજકોટ જિલ્લામાં સોયાબીનનું વાવેતર વધ્યું હોય રોજે રોજ મોટપ્રમાણમાં સોયાબીન વેચાણ માટે આવી રહ્યું છે ત્યારે શુક્રવારે એક જ દિવસમાં 2500 કવીન્ટલ સોયાબીન આવ્યું હતું જેના ખેડૂતોને પ્રતિ મણના ભાવ 780થી રૂપિયા 880 સુધીના મળ્યા હતા. વધુમાં શિયાળુ પાકની વાવણીની સીઝન સમયે જ ખેડૂતો જુના ઘઉં અને જીરુંનું પણ મોટા પ્રમાણમાં વેચાણ કરવા આવી રહ્યા છે જેમાં રાજકોટ યાર્ડમાં શુક્રવારે 1850 કવીન્ટલ ઘઉં, 1320 કવીન્ટલ જીરું,1000 કવીન્ટલ અડદ, 1300 કવીન્ટલ તલી, 700 કવીન્ટલ મગ અને 800 કવીન્ટલ લસણની આવક નોંધાઈ હતી.