ભાવવધારાની માંગ સાથે પીજીવીસીએલના કોન્ટ્રાકટરો હડતાળના માર્ગે
રાજ્યની અન્ય વીજ કંપનીઓની તુલનાએ ભાવ ઓછા આપવામાં આવતા હોવાની રજુઆત
રાજકોટ : પશ્ચિમ ગુજરાત વીજ કંપની હેઠળ કામ કરતા સૌરાષ્ટ્ર-કચ્છના પીજીવીસીએલના કોન્ટ્રાકટરોને અન્ય વીજ કંપનીની તુલનાએ જુદી-જુદી એક જ સરખી કામગીરીના ઓછા ભાવ આપવામાં આવતા હોય જીયુવીએનએલ હેઠળ આવતી એમજીવીસીએલ કંપની દ્વારા ચુકવતા ભાવ મુજબ ભાવ આપવાની માંગ સાથે સોમવારે સાંજથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી જવાની ચીમકી સાથે પીજીવીસીએલના એમડીને આવેદનપત્ર પાઠવવા આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ-સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાકટર એસોશિએશન દ્વારા સોમવારે રાજકોટ પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસ ખાતે એમડી પ્રીતિ શર્માને લેખિત આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી કે, વર્ષ 2022થી સતત કોન્ટ્રાકટરો દ્વારા અલગ અલગ કામગીરીના લેબર ચાર્જમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે પરંતુ પીજીવીસીએલ દ્વારા લાઇનકામ, ફેબ્રિકેશનકામ, લોડિંગ, અનલોડીંગ તેમજ વાહન ભાડામાં વધારો કરવા નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. પીજીવીસીએલના એમડીને કરવામાં આવેલ રજુઆત સમયે એસોસિએશન હેઠળ નોંધાયેલ 400થી 500 જેટલા રજીસ્ટર્ડ કોન્ટ્રાકટરો મોટી સંખ્યામાં જોડાયા હતા. રજુઆત સમયે મંત્રી જયેશભાઇ કોટડીયા અને બિનીત ગાંધી સહિતના અગ્રણીઓ સાથે રહયા હતા.
વધુમાં કચ્છ-સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાકટર એસોશિએશન પ્રમુખ ગોપાલભાઈ માતાએ જણાવ્યું હતું કે, પીજીવીસીએલ અને એમજીવીસીએલ કંપનીમાં કામ કરતા કોન્ટ્રાકટરો એક જ સરખી કામગીરી કરતા હોવા છતાં લેબર ચાર્જમાં જમીન આસમાનનો ફર્ક છે. વીજ પોલ નાખવા માટે એમજીવીસીએલ 1200 રૂપિયા ચૂકવે છે જયારે પીજીવીસીએલ દ્વારા માત્ર 800 રૂપિયા જ ચુકવવામાં આવે છે. એ જ રીતે વાહન ભાડામાં પણ પીજીવીસીએલ સર્કલમાં જ અલગ અલગ કચેરીમાં અલગ અલગ ભાડા ચુકવવામાં આવે છે જેથી જીયુવીએનએલ હેઠળ આવેલ તમામ વીજ કંપનીઓમાં કોન્ટ્રાકટરોને એકસરખા કામના એકસરખા ભાવ ચુકવવામાં આવે તેવી માંગ સાથે સોમવારે સાંજથી જ અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી જવા અલ્ટીમેટમ આપતા પીજીવીસીએલની કામગીરીને અસર પડે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.