ગમે ત્યાં બોર્ડ-બેનર ટીંગાડી દેનારા ૧૭ લોકોને ૩.૧૪ લાખની પેનલ્ટી
૧૦ દિવસમાં દંડ નહીં ભરે તો રકમ ટેક્સ બ્રાન્ચમાં ચડી જશે’ને પછી વેરા શાખા ત્રાટકશેવોઈસ ઓફ ડે' દ્વારા શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ઈચ્છા પડે ત્યાં બોર્ડ-બેનર ટીંગાડી અથવા તો ચોંટાડીને પોતાનું બ્રાન્ડીંગ કરી રહેલા તત્ત્વોની પ્રવૃત્તિ વિરુદ્ધ અહેવાલ પ્રસિદ્ધ કરી તંત્રને ઢંઢોળવામાં આવ્યું હતું. અહેવાલ બાદ મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા દબાણ હટાવ શાખાને તાત્કાલિક દોડતી કરી ગેરકાયદેસર ટીંગાડેલા બોર્ડ-બેનર જપ્ત કરવા આદેશ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં હજારો બોર્ડ-બેનર જપ્ત કરી લેવામાં આવ્યા છે ત્યારે એક જ અથવા તો અલગ-અલગ વિસ્તારમાં એકથી વધુ બોર્ડ-બેનર ટીંગાડ્યા હોય તેવા ૧૭ લોકોને ૩.૧૪ લાખની પેનલ્ટી ભરપાઈ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.
દબાણ હટાવ શાખા દ્વારા આ તમામને પેનલ્ટી ભરપાઈ કરવા માટે ૧૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે અને જો એટલા સમયમાં દંડ ભરપાઈ નહીં કરે તો તમામ રકમ ટેક્સ બ્રાન્ચમાં ચડાવી દેવામાં આવશે મતલબ કે ૧૭ લોકો-કંપનીના વેરા બિલમાં આ રકમ ચડી જશે અને ત્યારબાદ ટેક્સ બ્રાન્ચ દ્વારા
ઉઘરાણી’ શરૂ કરી દેવામાં આવશે. જો ત્યારપછી પણ રકમ ભરવામાં નહીં આવે તો મિલકતોને સીલ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું.
એવો પણ ખુલાસો થયો છે કે આ તમામ બોર્ડ કાલાવડ રોડ, રેસકોર્સ રિંગરોડ, યુનિવર્સિટી રોડ, રેલનગર સહિતના વિસ્તારોમાં ટીંગાડવામાં આવ્યા હતા જે તમામ જપ્ત કરી લેવામાં આવ્યા છે. બોર્ડ-બેનર ટીંગાડનાર કંપનીઓ એજન્સીઓને બોર્ડ-બેનર લગાડવા માટેનું કામ આપતી હોય છે અને એજન્સી દ્વારા કોઈ પકારની મંજૂરી લીધા વગર બોર્ડ-બેનર ટીંગાડવામાં આવતા હોય છે જેના બદલામાં તે કંપની પાસેથી નિશ્ચિત રકમ પણ વસૂલે છે !!