વાહન પર જ નહીં ચાલીને જતી વખતે પીચકારી મારશો તો દંડ !
કોગળા કરનારાની પણ ખેર નથી: વધુ ૬ ઝપટે ચડ્યા: ઈ-મેમો ફટકારવાનું શરૂ કરાતા જ થૂકબાજો ઘટવા લાગ્યા
મહાપાલિકા દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલના ૧૦૦૦ કેમેરાનો ખરો ઉપયોગ હવે શરૂ કરવામાં આવ્યો હોય તેવી રીતે શહેરમાં ઈચ્છા પડે ત્યાં પાન-ફાકીની પીચકારી મારનારા, મોઢું સાફ કરવા માટે ગમે ત્યાં કોગળા કરનારા લોકોને કેદ કરીને ઈ-મેમો ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી વાહનો પર જઈ રહેલા લોકોને જ દંડ ફટકારાઈ રહ્યો હતો ત્યારે હવે ચાલતાં ચાલતાં પીચકારી મારનારા લોકોને પણ કેમેરો પકડી રહ્યો છે. આવા જ વધુ છ થૂકબાજો ઝપટે ચડ્યા છે. બીજી બાજુ ઈ-મેમો ફટકારવાનું શરૂ કરવામાં આવતાં જ થૂકબાજો ઘટવા લાગ્યા હોય તેવી રીતે હવે એક આંકડામાં સંખ્યા આવવા લાગી છે. મહાપાલિકાનો કેમેરાએ એક દિવસમાં ૧૭૬૪ લોકેશનનું ચેકિંગ કર્યું હતું જેમાં કુલ ૪૬૭ સફાઈ કામદારોની કામગીરી ચકાસાઈ હતી જેમાંથી બે સફાઈ કામદારો કચરો રોડ પર ફેંકી રહ્યા હોય તેને દંડ ફટકારાયો હતો.
ગુડ જોબ: મેયરે એસ.ટી.બસ સ્ટેન્ડ-બસોમાં માર્યો સાવરણો
મહાપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જે સિલસિલામાં મેયર નયનાબેન પેઢડિયાએ શનિવારે મહાપાલિકા કચેરીની બાજુમાં આવેલા એસ.ટી.બસ પોર્ટમાં સફાઈ કરી હતી સાથે સાથે તેમણે બસોની પણ સફાઈ કરી હતી.
૧૦૪ ન્યુસન્સ પોઈન્ટની સફાઈ: ૨૧.૬ ટન કચરો નીકળ્યો
સ્વચ્છતા એ જ સેવા અભિયાન અંતર્ગત મહાપાલિકા દ્વારા ૧૦૪ ન્યુસન્સ પોઈન્ટની સફાઈ કરીને ૨૧.૬ ટન કચરાનો નિકાલ કર્યો હતો. આ ઉપરાંત એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પરથી ૪.૧ ટન કચરો નીકળ્યો હતો. જ્યારે વોર્ડ નં.૧૦, ૩ અને ૫માં આવેલા વોંકળાની સફાઈ કરી ૨૪ ટન ગારો-કચરો કઢાયો હતો તો ગંદકી ફેલાવતાં ૪૧ લોકો પાસેથી દંડ તેમજ ત્રણેય ઝોનમાં ચેકિંગ કરીને ૨.૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું હતું.
કેવી રીતે પગપાળા જતાં લોકો પાસેથી વસૂલાશે દંડ ?
મહાપાલિકાના કેમેરા દ્વારા પગપાળા જતી વખતે જો કોઈ પીચકારી મારે તો તેને ઈ-મેમો મોકલવાનું શરૂ કરાયું છે ત્યારે પગપાળા જતાં લોકોની ઓળખ કેવી રીતે કરવી તે પણ એક પ્રશ્ન છે. જો કે કમાન્ડ એન્ડ કંટ્રોલના સ્ટાફ દ્વારા પગપાળા જતી વ્યક્તિ પીચકારી મારતી પકડાય એટલે તેનું ફૂટેજ રિવાઈન્ડ મતલબ કે પાછળનું ફૂટેજ જોવામાં આવે છે અને જ્યાં સુધી એ વ્યક્તિ કયા વાહન પર આવી છે કે નહીં તેની ખરાઈ ન થાય ત્યાં સુધી ફૂટેજ જોવામાં આવે છે.