પાટીદાર સમાજ પાણીદાર સમાજ છે : ભુપેન્દ્રભાઈ પટેલ
પાટણ પાસે યુ.પી.નાં રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ખોડલધામ સંકુલનું ભૂમિપૂજન
મંદિરો ભક્તિ ભાવની સાથે માનવીય ચેતનાનું કેન્દ્ર બની સમાજની સમસ્યાઓનું સમાધાન કરે એવો પ્રયાસ ખોડલધામ ટ્રસ્ટે કર્યો છે: આનંદીબેન પટેલ
અંદાજીત રૂપિયા 100 કરોડના ખર્ચે 50 વિઘામાં નિર્માણ પામશે ખોડલધામ સંકુલ
સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ કાગવડના શ્રી ખોડલધામ સંકુલની જેમ સમગ્ર ગુજરાતના ચાર ઝોનમાં ખોડલધામનું નિર્માણ કરવાનો સંકલ્પ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે કાગવડ ખોડલધામ નિર્માણ બાદ ગુજરાતના ઉતર ગુજરાત ઝોનમાં પાટણના સંડેર મુકામે 50વીઘા જમીનમાં અંદાજિત રૂપિયા 100 કરોડના નવનિર્માણ પામનાર ખોડલધામનું ભૂમિપૂજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતુ.
ભૂમિપૂજન કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના રાજકીય, સામાજિક આગેવાનો અને લેઉવા પાટીદાર સમાજના પરિવારજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આંનદીબહેન પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતુ કે, સંડેર ખાતે ભવ્ય ખોડલધામ મંદિર બનવા જઈ રહ્યું છે. જ્યાં ભવિષ્યમાં કૌશલ્યનું નિર્માણ થશે, યુવાઓને પ્રેરણા સાથે રોજગાર મળી રહે તેવી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે. સમગ્ર સમાજના વિકાસ માટે ખોડલધામ માર્ગદર્શન પૂરું પાડશે. આ માટે નરેશભાઈ અને તેમની ટીમને ધન્યવાદ આપું છું. સામાન્ય રીતે મંદિરનું નિર્માણ દર્શન, પૂજા અર્ચના અને ભક્તિમાં તરબોળ થવા માટે હોય છે. પરંતુ મંદિર ચેતનાનું કેન્દ્ર પણ બનવું જોઈએ જ્યાં સમસ્યાઓનું સમાધાન થાય. આ કાર્ય કરવા બદલ ખોડલધામ ટ્રસ્ટની ટીમને અભિનંદન પાઠવું છુ.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રીનાં પાવન પ્રસંગની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતુ કે, આજે દુર્ગાષ્ટમીના પાવન પ્રસંગે પવિત્ર તીર્થધામ ખોડલધામના આંગણે આવીને દિવ્યતાની સાથે ગૌરવની લાગણી અનુભવું છું.
ખોડલધામ સંકુલે વસુધૈવ કુટુંબકમની ભાવના સાકાર કરવાનું કાર્ય કર્યું છે. ખોડલધામની સેવા પ્રવૃત્તિનો લાભ તમામ સમાજને પહોંચાડી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખોડલધામ સંકુલ આધ્યાત્મિકતા સાથે આધુનિકતાનું કેન્દ્ર બનશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજની વાત કરતા જણાવ્યું કે પાટીદાર સમાજ એ પાણીદાર સમાજ છે. જે કણમાંથી પણ મણ પેદા કરવા વાળો અને પથ્થરમાંથી પાણી કાઢવાની ક્ષમતા ધરાવતો સમાજ છે. પાટીદાર સમાજ આજે શિક્ષણ પૂરતો સીમિત રહ્યો નથી પરંતુ ધંધા રોજગાર, પંચાયત થી પાર્લામેન્ટ સુધી દરેક ક્ષેત્રે પોતાનું યોગદાન આપ્યું છે. વિકટ પરિસ્થિતિમાં માર્ગ કાઢવો એ પાટીદારોની વિશેષતા છે. પાટીદારો સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયા છતાં પોતાની માતૃભૂમિનું ઋણ અદા કરવાનું ક્યારેય ભૂલ્યા નથી.
કાગવડ ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલે સૌને શુભેચ્છા આપતાં જણાવ્યું હતુ કે આજે ફક્ત આનંદનો દિવસ નહી, ઐતિહાસિક દિવસ નહી પરંતુ પાટીદારો માટે ગૌરવનો દિવસ છે. ખોડલધામની સફળતાનાં આપ સૌ ભાગીદાર છો. ખોડલધામની આ સફળતામાં મહાનુભાવોનો સિંહફાળો છે. તેઓએ કહ્યું કે રાણકી વાવ પછી પાટણમાં ખોડલધામ પ્રવાસનનું કેન્દ્ર બનશે.
ખોડલધામ ના ભૂમિપૂજન સમારોહમાં ભાગ લેવા માટે પાટીદાર સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં પાટીદાર ભાઈ-બહેનો માતાજીના રથ અને ગરબીઓ સાથે બાલીસણાથી સંડેર સુધી વાજતે ગજતે પદયાત્રા કરીને સમારોહ સ્થળ ખાતે પહોચ્યા હતા. કાર્યક્રમમાં તમામ દાતાશ્રીઓનું ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ. ખોડલધામના ભૂમિ પૂજન સમારોહ દરમિયાન મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં યુવા ભાઈ બહેનો સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી એકતા શક્તિ અને ભક્તિના સમન્વય સાથે માનવતાના આ મહાયજ્ઞમાં સહભાગી થયાં હતા.
સંડેર ખાતે ખોડલધામના ભૂમિપૂજન પ્રસંગે રાજ્યસભાના સાંસદશ્રી નરહરીભાઈ અમીન, પાટણના સાંસદશ્રી ભરતસિંહ ડાભી, નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા, પાટણના ધારાસભ્યશ્રી ડૉ. કિરીટભાઈ પટેલ, ઉમિયાધામના પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, સુશ્રી અનારબેન પટેલ, ઊંઝા એપીએમસીના ચેરમેનશ્રી દિનેશભાઇ પટેલ, આગેવાનો તેમજ ખોડલધામ સંડેર ટ્રસ્ટીશ્રીઓ, વિવિધ સમિતિના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં પાટીદાર સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.