ગુંડાગીરી સામે પાટીદાર પાવર ! મોરબીમાં હથિયાર માટે દોઢસો અરજી
પાટીદારોને ટાર્ગેટ કરી વ્યાજખોરી, હનીટ્રેપ,દાદાગીરી, છેડતી જેવા બનાવો વધ્યા
પાટીદાર યુવા સેવા સંઘની રચના બાદ પાટીદારોએ સ્વરક્ષણ માટે હથિયાર પરવાના માંગ્યા
મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં વસવાટ કરતા પાટીદાર સમાજને ટાર્ગેટ કરી અસામાજિક તત્વો વ્યાજખોરી, દાદાગીરી આચરી રહયા હોય તાજેતરમાં જ મોરબીમાં આવા બનાવો રોકવા પાટીદાર યુવા સેવા સંઘની રચના કરવામાં આવી છે.ગુરુવારે મોરબીના પાટીદાર યુવા સંઘના અધ્યક્ષ મનોજ પનારાની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં યુવાનો રજુઆત કરવા માટે આવ્યા હતા અને જિલ્લા કલેકટર સમક્ષ દોઢસો જેટલી હથિયાર પરવાના મેળવવા અરજીઓ કરી હતી.
પાટીદાર યુવા સેવા સંઘના અધ્યક્ષ મનોજ પનારાએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરતા જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના 150 ગામમાં 60 હજાર જેટલા પાટીદાર પરીવાર રહે છે. જેમાં મોટા ભાગના ગામો તથા શહેરની સોસાયટીમાં એવા અનેક પરીવારો વ્યાજખોરી દાદાગીરી, ગુંડાગીરી, રોમીયોગીરી અને હનીટ્રેપનો શીકાર બનેલ છે. આવા ભોગ બનેલ પરીવારોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. વ્યાજખોરી, દાદાગીરી, ગુંડાગીરી, રોમીયોગીરી અને હનીટ્રેપનો ભોગ તેમજ અન્ય અત્યાચારનો ભોગ બનેલ પરીવાર મોટાભાગે ખાનગી રીતે સમાધાન કરી લે છે. જેમાં અનેક કિસ્સામાં ભોગ બનેલા પરીવારો તંત્ર પાસે મદદ માટે જાય છે. ત્યારે તંત્ર ઉલટું આવા ગુંડા અને વ્યાજખોરો સાથે મીલીભગત હોય તે રીતે વર્તન કરીને યોગ્ય ન્યાય આપવામાં આવતો નથી.
ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં મોટાભાગના પાટીદાર સમાજના લોકો ખેતીવાડી અને સીરામીક સહિતના ઉદ્યોગ સાથે જોડાયેલ છે ત્યારે મોરબી શહેર અને જિલ્લામાં પાટીદાર પરીવાર ગુંડા તત્વો માટે સોફ્ટ ટાર્ગેટ હોય છાસવારે વ્યાજખોરી, દાદાગીરી, ગુંડાગીરી રોમીયોગીરી અને હનીટ્રેપ વગેરેના બનાવો બનતા હોય છે. તેવા સમયે તંત્રની મદદ ન મળવાની સાથે અનેક કિસ્સામાં રક્ષક જ ભક્ષકની ભૂમિકા ભજવે ત્યારે આવા ભોગ બનનાર પરીવાર ક્યાં જાય? જેથી આવા ભોગ બનનાર પરીવારોની સુરક્ષા માટે પાટીદાર યુવાનો જાતે આગળ આવીને હથિયારની પરવાનગી માંગવા માટે આવેલ હોવાનું જણાવી જિલ્લા કલેકટર સમક્ષ એક સામટી દોઢસોથી વધુ અરજીઓ મુકવામાં આવતા કલેકટર પણ ચોકી ઉઠ્યા હતા.
બીજી તરફ મોરબીના પાટીદાર સમાજના યુવાનોએ એક સાથે દોઢસો જેટલી અરજીઓ કરતા જિલ્લા કલેકટર કિરણ ઝવેરીએ જણાવ્યું કે પાટીદાર પરિવારો અલગ અલગ કિસ્સામાં ભોગ બન્યા હોવાની રજુઆત મળી છે. આ સંજોગોમાં જિલ્લા કલેકટર દ્વારા જિલ્લા પોલીસવડા સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બને અને શાંતિની સ્થિતિ જળવાઈ રહે તે માટે પગલાં લેવામાં આવશે તેવું જણાવી પાટીદાર સમાજની રજુઆત સરકારમાં પહોંચાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.