રાજકોટ એસટી પોર્ટ ઉપર તહેવારોના પગલે મુસાફરોનો ઘસારો: 80 એક્સ્ટ્રા બસ મુકાઈ
ધાર્મિક સ્થળો ઉપર જવા માટે ટ્રાફિક વધ્યો, જરૂરિયાત મુજબ પ્લેટફોર્મ ઉપર બસ મુકાશે: ડીસી
જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના બસ સ્ટેન્ડ ઉપરથી લાંબા રૂટની એસટી બસ ભરચક જોવા મળી રહી છે. મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખી રાજકોટ એસટી દ્વારા 70 થી 80 જેટલી એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાંથી તેમજ રાજકોટ જિલ્લાની ગ્રામ્ય પ્રજા રાજકોટના લોકમેળાને માણવા માટે મંગળવારથી જ રાજકોટ ખાતે ઉમટી પડશે.
કલેક્ટર પ્રભવ જોશીએ લોકમેળામાં આશરે 10 લાખથી વધુ લોકો આવે તેવી સંભાવના વ્યક્ત કરી હતી. રાજકોટ એસટી બસ સ્ટેન્ડ ઉપર મંગળવારથી લાંબા રૂટની એસટી બસના રિઝર્વેશન થવા લાગ્યા છે. બીજી તરફ સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળો એવા દ્વારકા, સોમનાથ તેમજ ઘેલા સોમનાથ સહિતના સ્થળો ઉપર મુસાફરોને જવા માટે જરૂરિયાત પડે તેમ એક્સ્ટ્રા બસ મૂકવામાં આવશે. જુનાગઢ, ઉના, દ્વારકા તરફ હાલ સૌથી વધારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. પાંચ દિવસ રજાના માહોલના પગલે હરવા ફરવાના સ્થળો ઉપર પણ મુસાફરોની ભીડ જામશે. રાજકોટ એસટી બસ સ્ટેન્ડ તેમજ ગોંડલ, મોરબી,સુરેન્દ્રનગર સહિતના ડેપો ઉપર જે રૂટમાં મુસાફરોનો ટ્રાફિક વધુ હશે તેમ એક્સ્ટ્રા બસ મુકવામાં આવશે. તેમ રાજકોટ ડિવિઝનલ કંટ્રોલ કરોતરાએ જણાવ્યું હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં લોકમેળા થાય છે તેવા સ્થળો ઉપર સોમવારથી રવિવાર સુધી ટ્રાફિક વધારે રહેશે, તેને ધ્યાનમાં રાખી રાજકોટ બસ સ્ટેન્ડ ઉપર સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળો પર જવા માટે વધારાની એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યું છે.