ચૌધરી હાઈસ્કૂલ પાસે બિલખા પ્લાઝા’માં પાર્કિંગ પચાવી લેવાયું
આર્કિટેક્ટ અશ્વિન સંઘવીએ તંત્રને ઉંધા ચશ્મા પહેરાવી
કળા’ કર્યાનો શહેરી વિકાસ વિભાગને પત્ર
બિલ્ડિંગના મુળ માલિકે ઈમ્પેક્ટ ફી નિયમનો કર્યો ગેરઉપયોગ
ચૌધરી હાઈસ્કૂલ પાસે આવેલા વર્ષો જૂના બિલખા પ્લાઝા'માં પાર્કિંગની જગ્યા જ પચાવી લેવામાં આવી હોવાનું અને આ કૃત્ય પાછળ આર્કિટેક્ટે તંત્રને ઉંધા ચશ્મા પહેરાવી
કળા’ કર્યા સહિતનો ધગધગતો પત્ર શહેરી વિકાસ વિભાગને કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે.
બિલખા પ્લાઝામાં દુકાન ધરાવતાં જીજ્ઞેશ ધ્રુવે લખેલા પત્રમાં જણાવ્યું છે કે તેઓ મોહનભાઈ હોલની સામે બિલખા પ્લાઝામાં ઓફિસ તેમજ શો-રૂમ ધરાવે છે. આ બિલ્ડિંગ બન્યું ત્યારે કેટલીક જગ્યા પાર્કિંગની અને કોમન વપરાશ માટે ખુલ્લી રાખી તેનો ઉપયોગ બિલ્ડિંગના તમામ સભ્યો કરી શકે તેવી જોગવાઈ કરાઈ હતી. જો કે કોમન સુવિધાવાળી જગ્યા બિલ્ડરને કે તેના અનુગામીને વેચાણ કરવા કે બાંધકામ કરવા ઉપયોગમાં લેવાનો હક્ક કે અધિકાર નથી. આ પ્રકારની જોગવાઈ છતાં બિલ્ડિંગના મુળ માલિકે પ્લાન મુજબનું બાંધકામ થયા પછી આર્કિટેક અશ્વિન સંઘવી સાથે મળીને ગેરકાયદે બાંધકામ નિયમિત કરવાના કાયદા હેઠળ જે જગ્યા નિયમિત ન થઈ શકે તે જગ્યામાં બાંધકામ કર્યું છે અને મુળ બાંધકામની શરતો વિરુદ્ધ કવર્ડ પાર્કિંગનું વેચાણ કરી કોમન ઉપયોગની જગ્યાનો ઉપયોગ બાકીના ઓફિસ-દુકાનધારકો ન કરી શકે તે પ્રકારે બાંધકામ કર્યું છે. આ પ્રકારનું બાંધકામ સરકારના કાયદા હેઠળ સમાવેશ થતું નથી. પાર્કિંગની જગ્યાનો વ્યાપારિક હેતુ માટે અને માર્જિનમાં દબાણ કરી માલિકો કે કબજેદારો ગેરકાયદેસર રીતે કબજો કરી ન્યુસન્સ ફેલાવી રહ્યા છે જેના કારણે પાર્કિંગ અને હલણના પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે.
એકંદરે પાર્કિંગ અને હલણની જગ્યા જ પચાવી લેવામાં આવી છે. વળી, આ ગેરકાયદેસર કૃત્ય કરનાર લોકો તેમનું બાંધકામ કાયદેસર થઈ ગયું છે તેવું જણાવી પાર્કિંગનો અંગત ઉપયોગ કરવા લાગ્યા છે. પાર્કિંગ અને માર્જિનની જગ્યામાં થયેલ બાંધકામ કે કબજો નિયમિત કરવા અધિકાર ન હોવા છતાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર પ્રજાપતિએ તા.૧૧-૧૦-૨૦૧૩ના હુકમથી ગ્રાઉન્ડ કવરેજ પાર્કિંગ હોવાનું સ્વીકારી પરવાનેદાર તરીકે અશ્વિન સંઘવીનું નામ લખી નિયમિત કરવાનું ફોર્મ `ઈ’નો હુકમ કર્યો છે. અધિકારી દ્વારા ગ્રાઉન્ડ ક્વરેજની જગ્યા ૮૬-૭૧ ચો.મી. રેગ્યુલરાઈઝડ કરેલ અને ડેફીસીટ પાર્કિંગ સ્પેસ તરીકે ૮૧-૩૦ ચો.મી.ની નોંધ કરી પાર્કિંગ ઉપર ૨,૯૭,૫૫૦ વસૂલ કરી બાંધકામને નિયમિત કરી આપ્યું છે.
આ પ્રકારના કૃત્યથી ઓફિસ અને શો-રૂમ ધારકોને પાર્કિંગ માટે જગ્યા મળી રહી નથી જેના કારણે એકદમ હેરાન-પરેશાન થઈ ગયા છે તેવો પત્ર જીજ્ઞેશ ધ્રુવ દ્વારા લખવામાં આવ્યો છે.