આસોમાં અષાઢ ! સૌરાષ્ટ્રના 82 પૈકી 26 ડેમના દરવાજા ખોલાયા, 13 ઓવર ફ્લો
ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે સૌરાષ્ટ્રભરના ડેમોમાં નવા નીરની ધૂમ આવક
ઓણસાલ મેઘરાજાએ ગુજરાતમાં કાયમી ડેરા તંબુ તાણી લીધા હોય તેવી સ્થિતિમાં ચોમાસાની વિદાયને બદલે અષાઢી આગમન થયું હોય તેવી સ્થિતિમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હોવાથી સૌરાષ્ટ્રના 82 પૈકી 26 જળાશયોમાં નવા નીરની ધીંગી આવક થતા ડેમના દરવાજા ખોલવા પડયા છે સાથે જ 13 જળાશયો સતત ઓવર ફ્લો થઇ રહ્યા છે, હાલમાં રાજકોટ જિલ્લાના 27 જળાશયોમાં 98.91 ટકા જળરાશી સંગ્રહિત કરવામાં આવી છે.
રાજકોટ સિંચાઈ વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આસોમાં અષાઢી માહોલ વચ્ચે છેલ્લા અઠવાડિયામાં સતત વરસાદ વરસી રહ્યો છે અને પાછલા ત્રણ દિવસમાં તો સાર્વત્રિક વરસાદ જેવી સ્થિતિમાં વરસાદ વરસતા રાજકોટ જિલ્લાના કુલ 27 પૈકી 11 ડેમના દરવાજા ખોલવા પડયા છે અને 4 ડેમ સતત ઓવર ફ્લો થઇ રહ્યા છે. રાજકોટ જિલ્લામાં ભાદર ડેમ સંપૂર્ણ ભરાઈ જતા 3 દરવાજા ખોલી પાણીની આવકને બેલેન્સ કરવામાં આવી રહી છે અને ફોફળ, વેરી, છાપરવાડી અને ઈશ્વરીયા ડેમ છલકી રહ્યા છે.
સાથે જ મોરબી જિલ્લામાં આવેલ 10 ડેમ પૈકી મચ્છુ-2, ડેમી-2, મચ્છુ-3 અને ડેમી-3 યોજના ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે, એ જ રીતે જામનગર જિલ્લામાં આવેલ કુલ 21 ડેમ પૈકી આજી-4, ઊંડ -1,2 સહિતના 5 ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે અને સસોઈ,પન્ના, સપડા, ડાઇ મીણાસર સહિતના છ ડેમ ઓવર ફ્લો થઇ રહ્યા છે.જયારે દ્વારકા જિલ્લાના છ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને એક ડેમ ઓવર ફ્લો થઇ રહ્યો છે તેમજ સુરેન્દ્રનગર વાંસલ ડેમ ઓવર ફ્લો થવાની સાથે અમરેલી જિલ્લાનો એકમાત્ર સાકરોલી ડેમ પણ ઓવર ફ્લો થઇ રહ્યો હોવાનું સત્વર સૂત્રોએ જણાવ્યું હતું.
