વિરાણી હાઈસ્કૂલમાં શરતભંગની કાર્યવાહી કરવા આદેશ
તાજેતરમાં આપવામાં આવેલા ચુકાદામાં નફાકારક પ્રવૃત્તિ કે જમીન ભાડે આપવા મનાઈ ફરમાવવા છતાં શિક્ષણધામમાં રાત્રીબજાર
રાજકોટ શહેરની વચ્ચોવચ આવેલ ઐતિહાસિક વિરાણી હાઈસ્કૂલ પ્રકરણમાં ગત જાન્યુઆરી માસમાં રાજકોટ સીટી પ્રાંત અધિકારી દ્વારા જમીનનો સત્તાપ્રકાર કે-5 કરી જમીનનો કોઈપણ ભાગ ભાડે આપી શકાશે નહીં કે કોઈપણ પ્રકારની નફાકારક પ્રવૃત્તિ કરી શકાશે નહીં તેવો સ્પષ્ટ હુકમ કર્યો હોવા છતાં વિરાણી હાઈસ્કૂલ મેદાનમાં રાત્રી બજાર ધમધમતી હોવા ઉપરાંત બોક્સ ક્રિકેટની પ્રવૃત્તિ પણ ચાલી રહી હોય સમગ્ર મામલે પશ્ચિમ મામલતદારની તપાસ અને પ્રાંત અધિકારીના રિપોર્ટ બાદ જિલ્લા કલેકટર દ્વારા શરતભંગની કાર્યવાહી કરવા આદેશો કરાયા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરની મધ્યમાં આવેલ વિરાણી હાઇસ્કૂલની ઐતિહાસિક ધરોહર સમાન મિલ્કતમાં રોડ કપાતમાં ગયેલી જમીનનો સીટી સર્વે કચેરીમાં નોંધ પાડવામાં ક્ષતિ રહેતા આ મામલે નોંધ મૂળ સ્થિતિએ લાવવા કાર્યવાહી કરવામાં આવતા આ ચકચારી પ્રકરણમાં હાઇકોર્ટ સુધી પ્રકરણ ચાલ્યા બાદ રાજકોટ સીટી પ્રાંત-1 કચેરી દ્વારા કેસ ચલાવી ઐતિહાસિક ચુકાદો આપી વિરાણી હાઈસ્કૂલ ટ્રસ્ટને વર્ષ 1951માં શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવેલ રાજકોટ રેવન્યુ સર્વે નંબર 427 પૈકીની 49720 ચોરસવાર જમીનમાં સીટી સર્વે કચેરી દ્વારા ક્ષતિ પૂર્વક થયેલી નોંધ સુધારી જમીનનો સતાપ્રકાર કે-5 કરવા આદેશ કરી જમીન ફાળવણીના હુકમની શરત મુજબ જમીનનો કોઈપણ ભાગ ભાડે આપી શકાશે નહીં કે કોઈપણ પ્રકારની નફાકારક પ્રવૃત્તિ કરી શકાશે નહીં તેવો આદેશ આપવામાં આવ્યો હતો.
બીજી તરફ શામજી વેલજી વિરાણી હાઈસ્કૂલ ટ્રસ્ટ દ્વારા પ્રાંત અધિકારીના સ્પષ્ટ ચુકાદા બાદ પણ ઐતિહાસિક ધરોહર સમાન શિક્ષણધામના મેદાનને વેપારમેળો બનાવી દઈ અહીં રાત્રી બજાર ચાલુ રાખવાની સાથે બોક્સ ક્રિકેટ સહિતની પ્રવૃત્તિ ચાલુ રાખતા સમગ્ર મામલે પશ્ચિમ મામલતદાર દ્વારા સ્થળ તપાસ કરાવી અહીં નફાકારક પ્રવૃત્તિ થતું હોવાં અંગે રિપોર્ટ કરતા સમગ્ર પ્રકરણ જિલ્લા કલેકટર સુધી પહોચ્યુ હતું જેમાં જિલ્લા કલેકટર દ્વારા શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવેલ જમીન ભાડે દેવાની સાથે નફાકારક પ્રવૃત્તિ થતી હોવાની બાબતની ગંભીર નોંધ લઇ શરતભંગના પગલાં ભરવા આદેશ આપ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.