એસ્મા ! રાજકોટ જિલ્લાના 219 આરોગ્ય કર્મચારીઓને છુટા કરવા આદેશ
રાજકોટ જિલ્લા પંચાયતે 111 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને 108 ફિમેલ વર્કરને ઘરભેગા કરી દેતા ખળભળાટ
રાજકોટ સહિત રાજ્યભરના જિલ્લા પંચાયતના અલગ-અલગ શાખાના આરોગ્ય કર્મચારીઓ તા.17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી જવા પ્રકરણમાં સરકારે એસ્માનું શસ્ત્ર ઉગામ્યું છે. આરોગ્ય કર્મચારીઓની હડતાળના અગિયારમા દિવસે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા સરકારના આદેશ અન્વયે 111 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને 108 ફિમેલ વર્કરને નિયત સમયમાં પરીક્ષા પાસ ન કરવા દેવાના નામે છુટા કરવા હુકમ કરી ઘરભેગા કરી દેતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ વર્કર, સુપરવાઈઝર સહિતની જુદી-જુદી કેડરમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા ટેક્નિકલ કેટેગરીમાં સમાવી લેવા અને ઉચ્ચતર પગારધોરણ આપવા સહિતની બાબતોને લઈ ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ તા.17મી માર્ચથી ઉગ્ર આંદોલન શરૂ કરી ગાંધીનગર ખાતે આર ય પારની લડત શરૂ કરી છે. બીજી તરફ આરોગ્ય કર્મચારીઓની આ લડતમાં સરકાર પણ નમતું જોખવા તૈયાર ન હોય તેમ એસ્મા લગાવ્યો છે. સાથે જ તમામ જિલ્લા પંચાયતોને સીસીસી તેમજ અન્ય પરીક્ષા સમય મર્યાદામાં પાસ ન કરી હોય તેવા આરોગ્ય કર્મચારીઓને છુટા કરવા આદેશ કરતા રાજકોટ જિલ્લા પંચાયતે આવા 219 કર્મચારીઓને એક ઝાટકે છુટા કરી ઘરભેગા કરી દીધા છે.
વધુમાં રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા શુક્રવારે 111 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને 108 ફિમેલ વર્કરને છુટા કરવા આદેશ કરી લેખિતના આદેશ આપ્યો હતો કે, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૧૯/૦૩/૨૦૨૫ એસ્માના જાહેરનામાં અન્વયે આપની સેવાઓ આવશ્યક સેવાઓ તરીકે ગણવામાં આવેલ હોય તેમજ આપની ફરજની દરેક ક્ષણની હાજરી લોકોના જીવન અને જાહેર આરોગ્ય સાથે સંકળાયેલી હોય આપની ફરજ પરની ગેરહાજરીના અહેવાલ અનુસાર આપના દ્વારા લોકોના જીવન અને તેમના આરોગ્યને જોખમમાં મુકવામાં આવેલ હોવાથી ઉપરાંત સરકારના નિયમ મુજબ સમયમર્યાદામાં પરીક્ષા પાસ કરેલ ન હોવાથી તા.28ના રોજ કચેરી સમય દરમ્યાય આપની સેવાઓ સમાપ્ત કરવાનો આથી આદેશ કરવામાં આવે છે.