સિવિલમાં દર્દીઓને `દવા નથી’ તેવો જવાબ નહીં આપવા, તમામ દવાઓનો સ્ટોક રાખવા આદેશ
`વોઇસ ઓફ ડે’ના અહેવાલ બાદ ખુદ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ દોડ્યા, સ્ટાફને દોડાવ્યો
સિવિલમાં દર્દીઓને બારીએથી ઓછી, મેડિકલ સ્ટોરમાંથી વધુ દવા ખરીદવી પડતી હોવાથી અધિક્ષકે કર્યું સરપ્રાઈઝ ચેકિંગ: જો
ગોડાઉન પરથી દવા પહોંચી ન હોય તો રૂબરૂ જઈ લાવવાની રહેશે, ફોન પર ઑર્ડર આપીને બેસી ન રહેવું: તમામ સ્ટાફને સૂચના
પૂરતી સારવાર-દવા મળશે તેવી આશા સાથે સિવિલ હોસ્પિટલમાં જતાં ૧૦માંથી અંદાજે ૬ દર્દીઓને નિરાશા જ સાપડી રહ્યાનું ધ્યાન પર આવ્યું છે. તાજેતરમાં જ વૉઈસ ઑફ ડે' દ્વારા સિવિલમાં આવતાં દર્દીઓને તબીબો દ્વારા જાણીજોઈને દવા કંપનીના નામ સાથે પ્રિસ્ક્રિપ્શન લખી આપવામાં આવતું હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જે પછી તંત્રમાં દોડધામ થઈ પડી હોય તેમ સોમવારે સવાર પડતાંની સાથે જ સિવિલ સર્જન ખુદ સિવિલના મેડિકલ સ્ટોરમાં દોડી ગયા હતા અને ત્યાં હાજર સ્ટાફને કડક શબ્દોમાં સુચનાઓ આપતાં સ્ટાફમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો.એકંદરે સિવિલ સર્જન તો દોડ્યા સાથે સાથે સ્ટાફને પણ દોડાવ્યો હતો.
સિવિલ સર્જન ડૉ.આર.એસ.ત્રિવેદીએ
વૉઈસ ઑફ ડે’ના અહેવાલનું સંજ્ઞાન લઈને મેડિકલ સ્ટોરની મુલાકાત લીધી હતી અને અહીં ફરજ બજાવતાં તમામ સ્ટાફને હોસ્પિટલ પાસે કેટલી દવા ઉપલબ્ધ છે, કેટલી નથી, નથી તો શા માટે નથી, કયા કયા દર્દીને બહારથી દવા લેવી પડી રહી છે તે સહિતના મુદ્દે પૂછપરછ કરી હતી. આ પછી તેમણે કડક સુચના આપતાં જણાવ્યું હતું કે દવાબારીએ દવા લેવા આવનારી કોઈ પણ વ્યક્તિને દવા નથી' તેવો જવાબ મળવો જ જોઈએ નહીં અને દવાનો સ્ટોક પૂર્ણ થવા આવ્યાનું ધ્યાન પર આવે એટલે તુરંત જ બીજો સ્ટોક મંગાવી લેવાનો રહેશે. તેમણે જવાબદારોને એવી સુચના પણ આપી હતી કે દવાના સરકારી ગોડાઉન ઉપર ફોન મારફતે દવા મંગાવવામાં આવે છે ત્યારે જો ફોન કર્યા બાદ દવા ન આવે તો બેસી રહેવાની જગ્યાએ રૂબરૂ ગોડાઉન પર જઈને દવા લાવવાની રહેશે. એકંદરે દર્દીઓને બને ત્યાં સુધી મેડિકલમાંથી વેચાતી દવા લેવી જ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવા આદેશ આપ્યો હતો. સિવિલ સર્જનની પૂછપરછમાં હાજર સ્ટાફે હોસ્પિટલ પાસે માત્ર
એસ્પીરિન’ નામની દવા જ ન હોવાનું જણાવ્યું હતું.
લેબોરેટરીમાં એકઠી થયેલી ભીડ જોઈને સ્ટાફનો ઉધડો લીધો
સિવિલ સર્જને ઓપીડી બિલ્ડિંગમાં પ્રવેશ કરતાંની સાથે જ લેબોરેટરી પાસે એકઠી થયેલી ભીડ જોઈને તાત્કાલિક જવાબદારોનો ખુલાસો પૂછયો હતો સાથે સાથે આવું કેમ બની રહ્યું છે તેને લઈને ઉધડો પણ લીધો હતો. આ પછી સાંજે તમામ વિભાગના વડાઓની બેઠક બોલાવીને ભીડ ઓછી કરવા માટે શું કરી શકાય તેને લઈને પ્લાનિંગ પણ કર્યું હતું.
દર્દીને મોબાઈલમાં જ રિપોર્ટ મળી જાય તેવી વ્યવસ્થા પાછળ ૨૫ લાખનો ખર્ચ, પરિણામ શૂન્ય
જાણવા મળેલી વિગતો પ્રમાણે સિવિલની લેબોરેટરીમાં ભીડ ઘટાડવા માટે તંત્રવાહકો દ્વારા એક સિસ્ટમ વિકસાવાઈ હતી જેનો અમલ શરૂ થાય તો દર્દીને મોબાઈલમાં જ રિપોર્ટ મળી શકે. આ પાછળ ૨૫ લાખ જેટલો ખર્ચ પણ કરવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી તેનું પરિણામ મળ્યું ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઓર્થોપેડિક તબીબોને કડક સૂચના દવા લખવામાં `કરામત’ ન કરતા
સિવિલ સર્જને ઓર્થોપેડિક વિભાગમાં ફરજ બજાવતાં તબીબોની રૂબરૂ મુલાકાત લઈને તેમને સ્પષ્ટપણે કહ્યું હતું કે દવા લખવામાં કોઈ પ્રકારની `કરામત’ ચલાવી લેવામાં આવશે નહીં મતલબ કે કોઈ ચોક્કસ કંપનીના નામજોગ દર્દીને દવા લખી આપવી નહીં જેથી કરીને દર્દીઓને નાછૂટકે બહારથી વેચાતી દવા લેવી પડે.
ઑફિસમાં જ બેસી રહેશો એ નહીં ચાલે…
સિવિલ સર્જને લેબોરેટરીમાં હાજર તમામ અધિકારીઓને કડક ભાષામાં સંભળાવી દીધું હતું કે આટઆટલી ભીડ હોવા છતાં તેને ઘટાડવાની જગ્યાએ તમે ઑફિસમાં જ બેસી રહ્યા છે તો વાત બિલકુલ વ્યાજબી નથી. તમારે સૌથી પહેલાં દર્દીઓને પડતી તકલીફનો વિચાર કરવો પડશે. બીજી બાજુ અધિકારીઓએ સ્ટાફની ઘટ હોવાનો વળતો જવાબ આપ્યો હતો.