રાજકોટ : મહાપાલિકામાં કોંગ્રેસનો ‘લાકડા’ જેવો વિરોધ !
લાકડા કૌભાંડમાં હાથ કાળા કરનાર જવાબદારો સામે ગુનો દાખલ કરાવવા કમિશનરને રજૂઆત:
હાય હાય’ના નારાથી કચેરી ગજવી
મહાપાલિકામાં દર બે-ત્રણ દિવસે એક વિવાદ અથવા કૌભાંડ બહાર ન આવે તો જ નવાઈ પામવા જેવું રહે છે ! હવે સ્મશાને મોકલવાના લાકડા બારોબાર વેચવામાં આવી રહ્યાનું કૌભાંડ ઉજાગર થયા બાદ કોંગ્રેસે આ મુદ્દો હાથ'માં લઈને મનપા કચેરીમાં
લાકડા’ જેવો વિરોધ કરતાં પોલીસ તેમજ સુરક્ષા વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી.
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની આગેવાનીમાં મ્યુ.કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યા પ્રમાણે મહાપાલિકા દ્વારા રોજબરોજ જુદી જુદી શાખાઓમાં વ્યાપકપણે ચાલતા ભ્રષ્ટાચારો અને વહીવટ અંગે એક બાદ એક કૌભાંડ બહાર આવી રહ્યા છે ત્યારે આવું જ એક નવતર કૌભાંડ ગાર્ડન શાખામાં થયું છે જેમાં સ્મશાને મોકલવાના લાકડા બારોબાર વેચીને રોકડી કરી લેવામાં આવી છે.
આ કૌભાંડમાં હાથ કાળા કરનાર જવાબદારો સામે ગુનો દાખલ કરાવવા માટે કોંગ્રેસે ભારપૂર્વક રજૂઆત કરી હતી સાથે સાથે છેલ્લા એક મહિનામાં મહાપાલિકા દ્વારા દરેક સ્મશાન ગૃહમાં મોકલવામાં આવેલા તમામ લાકડા તેમજ વાહનના નંબરની માહિતી જાહેર કરવા માંગ કરાઈ હતી. આ વેળાએ કોંગ્રેસ દ્વારા મ્યુ.કમિશનરને લાકડા પણ અર્પણ કરવામાં આવ્યા હતા સાથે સાથે તપાસના નામે ડિંડક ન કરવાનો ટોણો પણ મારવામાં આવ્યો હતો.