કૂતરું કરડે પછી જ મહાપાલિકા ચીપીયો પછાડશે !!
શેરી-ગલી-જાહેર રસ્તા પર રખડતાં શ્વાનને પકડવા નહીં તેવો સરકારનો ફતવો લોકોને ખૂંચી રહ્યો છે: જો કૂતરું તમને પરેશાન કરતું હોય, પાછળ દોડતું હોય કે તમને પછાડી દીધા હોય તો પણ મનપા તેને પકડી શકતી નથી તેવો નિયમ, માત્ર કરડે તો જ કૂતરાને ઓબ્ઝર્વેશન હોમમાં મુકવાની જોગવાઈ !
રાજકોટમાં દિવસેને દિવસે રખડું શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે. લોકો એટલા ત્રાહિમામ પોકારી ગયા છે કે રાત્રીના સમયે સૂમસામ રસ્તા પરથી પસાર થવામાં સો વખત વિચાર કરી રહ્યા છે. આટઆટલી હાલત ખરાબ હોવા છતાં મહાપાલિકા અત્યારે શ્વાનને પકડી શકતી નથી કેમ કે સરકાર દ્વારા ફતવો કહો તો ફતવો જડ કહો તો જડ નિયમ અમલમાં મુકવામાં આવ્યો છે જે પ્રમાણે કૂતરાને પકડવાની મનાઈ જ ફરમાવી દેવામાં આવી છે. આમ થવાને કારણે કૂતરાનો વસતી વિસ્ફોટ થઈ રહ્યો છે જેના કારણે ગમે ત્યારે ગમે ત્યાં કૂતરું ઉભેલું હોય છે અને વાહન જોવે કે તુરંત જ પાછળ દોડવાનું શરૂ કરી દે છે !
મહાપાલિકાના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે રખડું શ્વાન જો કોઈને કરડે અને કરડ્યા બાદ ડૉક્ટરે કરેલી સારવારનો કાગળ મહાપાલિકામાં રજૂ કરવામાં આવે પછી જ ટીમ કૂતરું પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે ! જો કૂતરું કોઈની પાછળ દોડે, કોઈને ડરને કારણે પછાડી દે, કોઈને પછાડીને માથામાં હેમરેજ કરી નાખે તો પણ મહાપાલિકા દ્વારા તેને પકડી શકાતું નથી. કૂતરું કરડ્યા બાદ સારવાર લીધી હોય તેનો કાગળ આપ્યા બાદ પણ કુતરાને પકડીને ગામ બહાર મુકવામાં આવતું નથી અને કૂતરાને માત્ર ઓબ્ઝર્વેશનમાં જ મુકી શકાય છે જ્યાં તેનો પીરિયડ (દિવસો) પૂરા થાય એટલે ફરી મુક્ત કરી દેવામાં આવે છે.
ગાય-ભેંસ પકડાય તો પછી શ્વાન કેમ નહીં ?
રાજકોટમાં રખડું ગાય-ભેંસ રસ્તા પર દેખાય એટલે મહાપાલિકાની ઢોરપકડ પાર્ટી દ્વારા પકડીને ઢોરડબ્બે મોકલવામાં આવે છે ત્યારે આ પ્રકારની કાર્યવાહી જોઈ પ્રબુદ્ધ નાગરિકો એવું પણ કહી રહ્યા છે કે જો ગાય-ભેંસને પકડી શકાતી હોય તો પછી શા માટે શ્વાનને પકડવામાં આવતા નથી. શું શ્વાન કોઈની પાછળ દોડીને તેને પછાડી દે અને ઈજા થાય તો પણ તેને પકડી ન શકાય, શ્વાનને કારણે ખાસ કરીને બાળકો ઉપર વધુ ખતરો હોય છે કેમ કે તેઓ વધુ દોડી શકતા હોતા નથી.
શ્વાન વ્યંધિકરણ પાછળ મસમોટો ખર્ચ, વસતી ઘટવાને બદલે વધી
જાણવા મળ્યા પ્રમાણે શ્વાન વ્યંધિકરણ માટે મહાપાલિકા દ્વારા એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે જે બદલ મસમોટો ખર્ચ કરવામાં આવ્યો છે આમ છતાં શહેરમાં શ્વાનની વસતી ઘટવાને બદલે વધી રહ્યાનું ધ્યાન પર આવી રહ્યું છે સાથે સાથે ડોગબાઈટના પ્રમાણમાં પણ વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ એક દિવસની અંદર ૧૬ લોકોને કૂતરાએ બચકાં ભરી લીધાનું ખુલ્યું હતું તો એક યુવાનનો હડકવો ઉપડતાં મૃત્યુ થયાનો બનાવ પણ નોંધાયો હતો.