ગણિતની ગણતરી ઊંઘી પડી: ધો. 10માં આ વર્ષે ફક્ત 7.26 ટકા વિદ્યાર્થીઓ જ સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપશે
8.43 લાખ પૈકી 61,264 વિદ્યાર્થીઓએ ગણિત સ્ટાન્ડર્ડ પસંદ કર્યું:3 વર્ષમાં 50,000નો ઘટાડો,બેઝિકમાં વધતો સ્કેલ
ગણિતની ગણતરી ઊંધી પડી હોય તેમ આ વર્ષે ધોરણ 10 માં માત્ર 7.6% વિદ્યાર્થીઓએ જ ગણિત સ્ટાન્ડર્ડ વિષયને પસંદ કર્યો છે. આ વર્ષે 8.43 લાખ વિદ્યાર્થીઓ પૈકી 61264 વિદ્યાર્થીઓએ જ ગણિત સ્ટાન્ડર્ડ ને પસંદ કર્યું છે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27મી ફેબ્રુઆરીથી ધોરણ 10 ની પરીક્ષા શરૂ થવાની છે જેમાં આ વર્ષે 7.26% વિદ્યાર્થીઓએ ગણિત સ્ટાન્ડર્ડ વિષય પર પસંદગી ઉતારી છે ગત વર્ષ કરતાં 10,322 વિદ્યાર્થીઓનો ઘટાડો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં નપાસ થતા હતા જેને લઈને અનેક વિધાર્થીઓના ભણતર પર અસર થતી હોવાનું જણાવતા શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2022 23 માં ગણિતમાં બે વિકલ્પ આપવાનું શરૂ કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ગણિત વિષય સાથે આગળનો અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેમને ગણિત સ્ટાન્ડર્ડનો વિકલ્પ અપાયો હતો, જ્યારે ગણિત વિના આગળ અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ બેઝીક વિકલ્પ પસંદ કરે છે.
આ પદ્ધતિ શરૂ થયા બાદ મોટાભાગના વિદ્યાર્થીઓ ગણિત બેજીકના વિષય સાથે આગળ ચાલી રહ્યા છે. પ્રતિ વર્ષ સ્ટાન્ડર્ડ ગણિતમાં પરીક્ષાઓની સંખ્યા ઘટી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં સ્ટાન્ડર્ડ ગણિત લેનારા વિદ્યાર્થીઓમાં 50,000 ની સંખ્યાનો ઘટાડો નોંધાયો છે.