અમે યોજના જાહેર કરીએ એટલે પૂરી થવાની ૧૦૦% ગેરંટી: માંડવિયા
યુપીએ સરકારે ૧૦ વર્ષ દરમિયાન જાહેર કરેલા બજેટમાં ૧૨૦૦ એવી યોજના જાહેર કરી જેનો અમલ ક્યારેય નથી થયો
કેન્દ્ર સરકાર ભારતનું એક્સપોર્ટ-પાસપોર્ટ બન્ને મજબૂત બનાવવા તરફ અગ્રેસર: બજેટમાં ૧૨.૫૦ લાખ સુધીની આવકવેરા છૂટ સમજી-વિચારીને જ અપાઈ છે
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજકોટની મુલાકાત દરમિયાન સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ભાજપ દ્વારા યોજના જાહેર કરવામાં આવે એટલે તે પૂરી થવાની ગેરંટી ૧૦૦% હોય છે. યુપીએ સરકારના શાસનના દસ વર્ષ દરમિયાન બજેટમાં એવી ૧૨૦૦ યોજના જાહેર કરવામાં આવી હતી જેનો અમલ ક્યારેય થયો જ નથી પરંતુ ભાજપ જે યોજના જાહેર કરે છે તેને પૂરી કરવાની ક્ષમતા ધરાવે છે.
તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેના ભરપેટ વખાણ કરતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકારે જાહેર કરેલા બજેટનું કદ આજે ૫૦ લાખ કરોડે પહોંચી જવા પામ્યું છે જે ૨૦૧૪ સુધી ૧૭ લાખ કરોડ આસપાસ રહેતું હતું. અમે ત્રણ ગણો વધારો કર્યો છે. એકંદરે ભારતનું એક્સપોર્ટ અને પાસપોર્ટ બન્ને મજબૂત બને તે દિશામાં સરકાર અત્યારે અગ્રેસર હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
સરકાર દ્વારા આવનારા સમયમાં ચાર કરોડ નોકરીઓ ઉભી કરવામાં આવનાર છે જેના માટે બજેટમાં બે લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો ઈન્ફ્રાસ્ટ્રકચર જેમાં રોડ, રેલવે, મેટ્રો, ટ્રાન્સપોર્ટ સહિતની મહત્ત્વાકાંક્ષી યોજના સામેલ છે તેના માટે ૧૧.૫૦ લાખ કરોડના ખર્ચનો અંદાજ બજેટમાં રાખવામાં આવ્યો છે. યુપીએ સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ માત્ર ૧.૬૦ લાખ કરોડની જોગવાઈ જ કરી શકતી હતી જેમાં અમે ઉત્તરોતર વધારો કરતા ગયા છીએ.
બજેટમાં ૧૨.૫૦ લાખ સુધીની આવકને કરમુક્તિ આપવામાં આવી છે તે અંગે માંડવિયાએ ઉમેર્યું કે આ છૂટ સરકાર દ્વારા સમજી-વિચારીને જ અપાઈ છે. આ છૂટથી લોકોના ખર્ચમાં વધારો થશે. ખર્ચ થશે તો નાણાપ્રવાહ વધતો જશે તે અર્થતંત્રને ગતિશીલ બનાવશે. ખાસ કરીને દર ચોમાસે બેટમાં ફેરવાઈ જતાં ઘેડ પંથકને ઉગારવા માટે સરકાર દ્વારા બજેટમાં ૧૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાનું પણ મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.
આ પત્રકાર પરિષદમાં સાંસદો પરસોત્તમ રૂપાલા, રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મેયર નયનાબેન પેઢડિયા સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.