મોટી ટાંકી ચોકથી સ્વામી વિવેકાનંદ પુતળા સુધીના રસ્તે ફૂટપાથ નામશેષ !
ટાંકી ચોકમાં હોટેલ પર આવતાં લોકો પોતાનું વાહન ફૂટપાથ પર ગોઠવીને ચાલ્યા જાય છે તો રાજકુમાર કોલેજ પાસેની ફૂટપાથ પર ધંધાર્થીઓનું દબાણ
જામનગર રોડ પર ક્રાઈમ બ્રાન્ચ કચેરી સામેની ફૂટપાથ પર દુકાનદારો-ફેરિયાઓનો કબજો

`વોઈસ ઓફ ડે’ની ફૂટપાથ તેમજ રસ્તાઓ પર ખડકાઈ ગયેલા દબાણોની ઝુંબેશને પગલે મહાપાલિકા-પોલીસ તંત્રએ ત્રાટકવાનું શરૂ કર્યું છે જેના કારણે દબાણકર્તાઓમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે. જો કે પોતાને ત્યાં આવે નહીં ત્યાં સુધી શું કામ સુધરવું ? માફક અનેક ફૂટપાથ તેમજ લોકોની અવર-જવર માટેના રસ્તાઓ પર ઘણાબધા દબાણો યથાવત રહ્યા છે. આવી ખરાબ સ્થિતિ મોટી ટાંકી ચોકથી સ્વામી વિવેકાનંદ પુતળા મતલબ કે યાજ્ઞિક રોડ સુધીની છે જ્યાં ફૂટપાથ જ નામશેષ થઈ જવા પામી છે !

અહીં ફૂટપાથ ઉપર એટલા બધા દબાણ થઈ ગયા છે કે લોકોએ તેને શોધવા માટે બિલોરી કાચનો ઉપયોગ કરવો પડી શકે તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. મોટી ટાંકી ચોક પાસે ટ્રાવેલ્સ ઓફિસની બાજુમાં જ એક હોટેલ છે જ્યાં પાર્કિંગની પૂરતી સુવિધા ન હોવાને કારણે અથવા તો સુવિધા હોવા છતાં હોટેલમાં આવતાં લોકો સામે આવેલી ફૂટપાથ ઉપર ફોર-વ્હીલર પાર્ક કરીને ચાલ્યા જાય છે જેના પગલે અહીંથી પસાર થનારા લોકોએ નાછૂટકે રસ્તા પર ચાલવું પડી રહ્યું છે. હોટેલ દ્વારા આ પ્રકારે નિયમભંગ કરાઈ રહ્યો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ રહી નથી. આશ્ચર્યજનક વાત એ છે કે ફૂટપાથ પર આ રીતે વાહન પાર્ક છતાં ટ્રાફિક પોલીસની ટોઈંગ વાન ન તો તેને લોક કરી રહી ન તો કારના ચાલક પાસેથી દંડની વસૂલાત કરી રહી !
આવી જ સ્થિતિ મોટી ટાંકી ચોકથી સુચક સ્કૂલ તરફ જતાં રસ્તા પર છે. અહીં રસ્તો ઘણો પહોળો હોવાથી મહાપાલિકા દ્વારા મન મુકીને ફૂટપાથ બનાવવામાં આવી છે પરંતુ તે ફૂટપાથનો લોકો ચાલવા માટે ઉપયોગ કરી શકતા જ નથી કેમ કે અહીં નાના-મોટા ધંધાર્થીઓ ડેરાતંબુ તાણીને બેસી ગયા છે. ક્યાંક પાનની કેબિન મુકાઈ ગઈ છે તો ક્યાંક ચાનો થડો ધમધમી રહ્યો છે. આટઆટલા દબાણ હોવા છતાં મહાપાલિકાની દબાણ હટાવ શાખા ક્યારેય અહીં આકરી કાર્યવાહી કરવાની તસ્દી લઈ રહી નથી જેના કારણે દબાણકર્તાઓની હિંમત વધી રહી છે.
બીજી બાજુ જામનગર રોડ ઉપર ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમની કચેરી સામે આવેલી ફૂટપાથની સ્થિતિ પણ કંઈક મોટી ટાંકી ચોક જેવી જ છે. અહીંની ફૂટપાથ ઉપર ધંધાદારીઓ કબજો કરીને બેસી ગયા છે જે જોઈને ફેરિયાઓ ઉપર ફૂટપાથ દબાવી રહ્યા હોવાને કારણે અહીંથી લોકોનું ચાલવું દુષ્કર બની ગયું છે. ફૂટપાથ પર દબાણ હોવાને કારણે લોકોએ રસ્તા પરથી ચાલવું પડી રહ્યું છે જેના કારણે ટ્રાફિકજામ સહિતની સમસ્યા સર્જાઈ રહી છે.