ઓમ સૂર્યાય નમઃ રાજકોટમાં દર ત્રીજા ઘરમાં સોલાર રુફટોફ
છેલ્લા છ મહિનામાં જ સૌરાષ્ટ્ર કચ્છમાં વધુ 74,707 ઘરોની છત ઉપર સોલાર રુફટોફ લાગી જતા વીજબીલ ઝીરો
સોલાર રુફટોફ થકી વીજ ઉત્પાદનમાં 627 મેગાવોટનો વધારો થતા કુલ 1377 મેગાવોટ વીજ ઉત્પાદન
પરંપરાગત ઉર્જા સ્ત્રોતમાં સૌર ઉર્જા ટોચનું સ્થાન ધરાવે છે, ખાસ કરી કોઈપણ પ્રકારના પ્રદૂષણનો ફેલાવો કર્યા વગર જ હરિત ઉર્જા આપતા સૂર્યદેવ તો ભારતમાં ઘેર ઘેર પૂજાય છે ત્યારે સરકારીની પીએમ સૂર્યોદય થકી રાજ્યમાં લાખો ઘરોમાં વીજળી બિલ ઝીરો થવાની સાથે લોકો સોલાર રુફટોફ થકી કમાણી કરતા થયા છે, જો કે, પીજીવીસીએલ હેઠળ આવતા સૌરાષ્ટ્ર-કચ્છમાં તો છેલ્લા છ મહિનામાં જ 74,707 સોલાર રુફટોફ વધ્યા છે જેમાં સૌથી વધુ સોલાર રુફટોફ રાજકોમા ફિટ થતા હાલમાં રાજકોટમાં દર ત્રીજા ઘરમાં સોલાર વીજ ઉત્પાદન થઇ રહ્યું હોવાનું સામે આવ્યું છે.
પીજીવીસીએલના પ્રોજેકટ વિભાગના ચીફ એન્જિનિયર આર. જે. વાળાના જણાવ્યા મુજબ, ૨૦૨૨માં ગુજરાત સરકાર દ્વારા સૂર્ય ગુજરાત યોજના અમલમાં મૂકી હતી. હવે યોજના આખા દેશમાં પીએમ સૂર્યઘર યોજના અમલી બનાવવામાં આવી છે અને વીજ ગ્રાહકોને પોણો લાખ જેટલી સબસીડી આપવામાં આવી રહી હોય દિવસે ને દિવસે પીએમ સૂર્યઘર યોજના હેઠળ સોલાર રુફટોફ લગાવી રહેલા વીજગ્રાહકોમાં વધારો થયો છે. ઓગસ્ટ મહિના સુધીમાં પીજીવીસીએલ હેઠળ આવતા 12 સર્કલોમાં 2,07,897 ઘરોમાં સોલાર પેનલ લાગી હતી જેમાં ચાલુ જાન્યુઆરી-2025 માસ સુધીમાં આ આંકડો વધીને 2,82,604ને પર કરી જતા સોલાર રુફટોફ થકી થતું વીજ ઉત્પાદન વધીને બમણા જેટલું થયું છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના પીજીવીસીએલના ૧૨ સર્કલમાં સૌથી વધુ સોલાર રાજકોટ સર્કલમાં ફિટ થયેલા છે..રાજકોટમાં આશરે ૩.૨૫ લાખ મિલકતો આવી છે. જે પૈકી 1,00,446 ઘરોમાં સોલાર રુફટોફ લાગી જતા રાજકોટમાં દર ત્રીજા ચોથા ઘરમાં સોલાર વીજ ઉત્પાદન શરૂ થયું છે, રાજકોટમાં અંદાજે 531.29 મેગાવોટ વીજળી સોલાર સિસ્ટમ થકી ઉત્પન્ન થઇ રહી છે.નોંધનીય છે કે, હાલમાં રાજકોટમાં સરેરાશ દરેક ઘરોમાં 1500થી 2000 સુધીના વીજબીલ આવી રહયા હોય વીજ ગ્રાહકો સૂર્યાય નમઃ શ્લોકને સાર્થક કરી સોલાર સિસ્ટમ લગાવવામાં જ સમજદારી દાખવી રહ્યા છે, રાજકોટના બજરંગ વાડીમાં રહેતા એ.ડી.બ્લોચ નામના વીજ ગ્રાહક કહે છે કે, અગાઉ મારે 3000થી વધુ વીજ બિલ આવતું હતું પરંતુ સોલાર રુફટોફ લગાવતા જ વીજબીલ ઝીરો થવાની સઠજે ઉલટું કમાણી થઇ રહી છે.જો કે દરિયાકાંઠે વસેલા દ્વારકા જિલ્લામાં પીએમ સૂર્યઘર યોજનાને જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો નથી.
જિલ્લા વાઈઝ સોલાર રુફટોફ અને વીજ ઉત્પાદન
જિલ્લો સોલાર રુફટોફ વીજ ઉત્પાદન
રાજકોટ – 100446 531.29
કચ્છ – 24602 139.14
ભાવનગર – 33453 136.21
જામનગર – 24459 111.77
જૂનાગઢ – 24728 94.91
મોરબી – 13729 92.72
સુરેન્દ્રનગર – 14626 76.42
અમરેલી – 18731 74.30
બોટાદ – 9174 42.98
પોરબંદર – 7603 32.96
ગીર-સોમનાથ 7722 30.27
દેવભૂમિ દ્વારકા 3331 14.05
કુલ 2,82,604 1377.03