સ્માર્ટ વીજમીટર લગાવનાર ગ્રાહકોને યુનિટદીઠ 45 પૈસાની રાહતની ઓફર
વીજ કંપની દ્વારા સ્માર્ટ પ્રીપેડ વીજમીટર લગાવનાર ગ્રાહકોને સવારે 11થી બપોરના 3 દરમિયાન વપરાશ ઉપર ફાયદો આપવા યોજના
રાજ્યની ચાર સરકારી વીજ કંપનીઓના ૧.૩૦ કરોડથી વધુ વીજ ગ્રાહકો જો સ્માર્ટ મીટર લગાવે તો બપોરે ૧૧ વાગ્યાથી લઈ બપોરના 3 વાગ્યા સુધીમાં થનારા વીજ વપરાશના ચાર્જમાં યુનિટદીટ ૪૫ પૈસાની રાહત આપવાનો દરખાસ્ત ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ રજૂ કરવામાં આવી છે.સાથે જ પ્રીપેઈડ સ્માર્ટ મીટર લગાડનારાઓને તેમના સંપૂર્ણ યુનિટના બિલ એટલે કે એનર્જી ચાર્જના બિલમાં બે ટકાની રાહત આપવામાં પણ દરખાસ્ત કરવામાં આવી છે.

ગુજરાત સરકારની પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ સહિતની ચાર વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર લગાવનારા ગ્રાહકોને સસ્તી વીજળી માટે ઓફર આપવા દરખાસ્ત કરવામાં આવી છે જેમાં ગ્રાહકોને સવારે 11થી બપોરના 3 દરમિયાન પ્રાપ્તિ યુનિટ 45 પૈસા રાહત આપવા જણાવાયું છે. જો આ દરખાસ્ત માન્ય થશે તો પહેલી એપ્રિલ ૨૦૨૫થી આ લાભ આપવાનું ચાલુ કરી દેવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો વીજ વપરાશકારોને સ્માર્ટ પ્રી પેઈડ મીટર લગાડવા માટે પ્રેરવાનું પગલું આ ઓફર આપીને લેવામાં આવ્યું હોવાનું માની શકાય છે.
ખેતી વાડી સિવાયના હેતુઓ માટે હાઈટેન્શન, લૉ ટેન્શન, એન.આર.જી.પી. કે પછી ઈ.વી.સી.એસ.ની કેટેગરીમાં આવતા વીજ જોડાણ લેનારા દરેક વીજ ગ્રાહકોને બપોરે ૧૧ વાગ્યાથી 3 વાગ્યાના સમયગાળામાં વપરાનારી વીજળીના યુનિટ દીઠ ચાર્જમાં યુનિટે ૪૫ પૈસાની રાહત આપવામાં આવશે. પરંતુ તેને માટે સ્માર્ટ મીટર લગાડવું જરૃરી છે. કારણ કે સ્માર્ટ મીટરથી જ દિવસના કયા સમયગાળામાં કેટલી વીજળીનો ઉપયોગ કરવામાં આવ્યો તેનો રેકોર્ડ તૈયાર કરી શકાય છે. વધુમાં સ્માર્ટ મીટર લગાડનારાઓ પાસે સિંગલ ફેઝના જોડાણ માટે મહિને રૂ..૧૧૦ અને થ્રી ફેઝના જોડાણ માટે મહિને રૂ..૧૫૦ લેવામાં આવશે. જોકે સ્માર્ટ મીટર લગાડવાનો કોઈ જ ચાર્જ લેવામાં આવશે નહિ.