મનપાની આખી શાળા પર કબજો; અહીં ઢોર’ ભણે છે !!
ખંઢેર’ બની ગયેલી શાળા પર તંત્રવાહકોનું ધ્યાન જ જઈ રહ્યું નથીઃ ફરિયાદ થાય તો સ્ટાફ જઈને ખીસ્સું ગરમ કરી આવતો હોવાની ચર્ચાઃ અહીં બાંધેલા ઢોરે સ્કૂલની રિક્ષાને હડફેટે લેતાં સૌના શ્વાસ અધ્ધર
ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઉંચું લાવવા તેમજ ગરીબ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા શાળાઓ બનાવવામાં આવી રહી છે. રાજકોટની વાત કરવામાં આવે તો મહાપાલિકા સંચાલિત અહીં અનેક સ્કૂલ ચાલી રહી છે તે પૈકીની એક એવી વૉર્ડ નં.14ના ગાયત્રીનગરમાં આવેલી 34 નંબરની શાળા પણ છે. જો કે આ શાળા હવે શાળા નહીં બલ્કે ઢોર બાધવા માટેનો વાડો બની ગયું હોય તેવી રીતે શાળા ઉપર કબજો કરી લેવામાં આવતાં હવે અહીં બાળકો નહીં બલ્કે ઢોર ભણી રહ્યા છે !!
ગાયત્રીનગર 2/8ના ખૂણે આવેલી આ શાળા ઘણા વર્ષોથી બંધ હાલતમાં પડેલી છે અને દિવસેને દિવસે ખંઢેર બની રહી હોવાથી મહાપાલિકાની શિક્ષણ સમિતિનું ધ્યાન જ તેના ઉપર જવાનું બંધ થઈ ગયું છે જેના કારણે અહીં કોઈ માથાભારે શખ્સે કબજો જમાવીને 40 જેટલા ઢોર બાધી દીધા છે અને આખો દિવસ આ ઢોર અહીં વિહાર કરી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે શુક્રવારે જ અહીં બાધેલા ઢોરે બહાર નીકળીને સ્કૂલની એક રિક્ષાને હડફેટે લઈ લેતાં સૌના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
દરમિયાન વૉઈસ ઑફ ડે દ્વારા અહીં રિયાલિટી ચેક કરવામાં આવતાં લતાવાસીઓએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે અહીં ઢોર બાધવામાં આવી રહ્યાની અનેક વખત તંત્રને ફરિયાદો કરવામાં આવી છે. ફરિયાદ બાદ અહીં ઢોરપકડ પાર્ટીનો સ્ટાફ આવી પણ રહ્યો છે પરંતુ અહીં આવ્યા બાદ ઢોરને ડબબે પૂર્યા વગર જ પરત ફરી રહ્યો છે ત્યારે તેમના ખીસ્સા ગરમ કરી નાખવામાં આવતા હોવાની આશંકા નકારી શકાતી નથી. મહત્ત્વની વાત એ છે કે આ શાળા છે જેનો કબજો લઈ લેવામાં આવ્યો હોવાથી કાયદેસર રીતે ઢોરના માલિકો ઉપર લેન્ડગ્રેબીગની ફરિયાદ થઈ શકે તેમ છે પરંતુ તંત્ર દ્વારા એવી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.