હવે ગટરના પાણીમાંથી દૂર્ગંધ નહીં આવે !
રાજ્યના પ્રથમ `ઓડર કંટ્રોલ યુનિટ’ સિસ્ટમ સ્માર્ટ સિટીમાં ઈન્સ્ટોલ કરતી મહાપાલિકા: આ સિસ્ટમથી લોકોને દુર્ગંધમાંથી મળશે મુક્તિ
સામાન્ય રીતે ગટરની બાજુમાંથી પસાર થઈએ એટલે માથું ફાડી નાખે તેવી દૂર્ગંધ પરેશાન કરતી હોય છે. જો કે હવે આ સમસ્યામાંથી છૂટકારો મળવાના દિવસો બહુ દુર નથી. મહાપાલિકા દ્વારા સ્માર્ટ સિટી વિસ્તારમાં આવેલા સુએઝ પમ્પીંગ સ્ટેશન પર એક સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી છે જેના થકી દૂર્ગંધમાંથી મુક્તિ મળી શકે છે.
દરમિયાન મ્યુનિ.કમિશનર આનંદ પટેલે સ્માર્ટ સિટી વિસ્તારમાં આવેલા સુએઝ પમ્પીંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી જે દરમિયાન તેમણે સુએઝ પમ્પીંગ સ્ટેશનના પમ્પ, મોટર સેટ, ડીઝલ જનરેટર સેટ, ઓટોમેટિક સ્ક્રીન, ઓટોમેટિક ગ્રીટ રિમૂવલ સિસ્ટમ અને ઓડર (દૂર્ગંધ દૂર કરતી સિસ્ટમ)નું પણ નિરીક્ષણ કર્યું હતું.
તેમણે જણાવ્યું કે આ પ્રકારનું યુનિટ ગુજરાતમાં પહેલીવાર કોઈ સુએઝ પમ્પીંગ સ્ટેશન પર લગાવવામાં આવ્યું છે. આ સિસ્ટમ લાગુ થવાથી સ્માર્ટ સિટીની આસપાસ રહેતા નાગરિકોને સુએઝની દૂર્ગંધમાંથી મુક્તિ મળશે.