હવે પોલીસ જમીનની મેટરમાં હાથ’ નહીં નાખે: આજે હાઈકોર્ટમાં CPનું સોગંદનામું
મેંગો માર્કેટ જમીનના વિવાદ મામલે બી-ડિવિઝન પીએસઆઈ કે.ડી.મારૂની બદલી બાદ આજે વધુ સુનાવણી
હાઈકોર્ટે પોલીસના વલણ સામે લાલ આંખ કરતાં જ સૌને
માપ’માં રહેવા અધિકારીઓનો આદેશ
સિવિલ મેટરમાં કાયદા પ્રમાણે જ કાર્યવાહી કરવા તમામ બ્રાન્ચ, પોલીસ મથકો માટે પણ પરિપત્ર પ્રસિદ્ધ થશે
કૂવાડવા રોડ પર મેંગો માર્કેટ પાસેની કરોડો રૂપિયાની જમીનના વિવાદમાં બી-ડિવિઝન પીએસઆઈ કે.ડી.મારૂએ વધુ પડતો રસ' લઈ લેતાં આખરે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો અને આ પ્રકરણમાં પોલીસે ભૂંડી ભૂમિકા ભજવી હોવાનું ઉજાગર થતાં જ કોર્ટે આકરા શબ્દોમાં રાજકોટ પોલીસની ઝાટકણી કાઢી હતી. બીજી બાજુ સોમવારે ઉઘડતી કોર્ટે આ કેસની વધુ સુનાવણી થઈ હતી જેમાં સરકારી વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે આજે રાજકોટના પોલીસ કમિશનર દ્વારા
હવેથી પોલીસ જમીનની મેટરમાં નહીં પડે’ તેવું સોગંદનામું હાઈકોર્ટમાં રજૂ કરી દેશે.
આ કેસમાં પીએસઆઈ કે.ડી.મારૂની જૂનાગઢ પોલીસ ટે્રનિંગ સેન્ટર ખાતે બદલી કરી દેવામાં આવી હતી. આમ તો કોર્ટ દ્વારા તેમને સસ્પેન્ડ કરવાનો જ આગ્રહ રખાયો હતો પરંતુ ઈન્ક્વાયરી ચાલું હોવાને કારણે તેમને સસ્પેન્ડ કરી શકાય તેમ ન હોવાથી નોન એક્ઝિક્યુટિવ જગ્યાએ તેમની બદલી કરવામાં આવી હતી. આમ તો પોલીસ કમિશનર દ્વારા મારૂની ટ્રાફિક વિભાગમાં બદલી કરવા કહેવાયું હતું પરંતુ કોર્ટ દ્વારા મારૂને નોન એક્ઝિક્યુટિવ જગ્યાએ મુકવાનો આદેશ છૂટતાં જ તેમને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવાયા હતા.
બીજી બાજુ જમીન વિવાદમાં પોલીસ અનેક વખત રસ દાખવતી હોવાની નોંધ પણ હાઈકોર્ટ દ્વારા લઈને આકરું વલણ અખત્યાર કરવામાં આવતાં પોલીસ અધિકારીઓ દ્વારા સ્ટાફને માપ'માં રહેવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે સાથે સાથે સિવિલ મેટરમાં કાયદા પ્રમાણે જ કાર્યવાહી કરવા તમામ બ્રાન્ચ, પોલીસ મથકો માટે પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે મેંગો માર્કેટ પાસેની જમીન કે જેનો વિવાદ અત્યારે હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે તેની કિંમત કરોડો રૂપિયા થવા જાય છે પરંતુ તેને સસ્તામાં પડાવી લેવા માટે કારસો રચાયો હોવાનું બહાર આવતાં જમીન માલિક હાઈકોર્ટ સુધી પહોંચ્યા હતા અને ત્યાં આ મામલે પોલીસ વધુ પડતો
રસ’ લેતી હોવાનું ધ્યાન પર આવતાં હાઈકોર્ટે પોલીસને ખખડાવી નાખી હતી.